કિડની-લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ મૃત્યુનું વધતું પ્રમાણ ચિંતાજનક, તપાસ કરવા હવે સમિતિ રચાશે
Representative image |
Kidney-Liver Transplant: અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલના પરિસરમાં આવેલી કિડની હૉસ્પિટલમાં છેલ્લા 9 વર્ષ દરમિયાન 2634 કિડની, 469 લિવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ પૈકી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 134, લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 173 લોકો હૉસ્પિટલમાં જ મૃત્યુ પામ્યાની વિગતો સામે આવી છે. ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ મૃત્યુ આંક કેવી રીતે હજુ ઘટાડવો તેના માટે સમિતિની પણ રચના કરવાની વિચારણા ચાલી રહી છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટની મૃત્યુની ટકાવારી લિવર ટ્રાન્સપ્લાન્ટ કરતાં ઓછી
વર્ષ 2015થી વર્ષ 2023 દરમિયાન જે વ્યક્તિએ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેમના એકંદર મૃત્યુની ટકાવારી કિડની ટ્રાન્સપ્લાન્ટની મૃત્યુની ટકાવારી કરતાં ઘણી વધારે હતી. લિવર ટ્રાન્સપ્લાન્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા વ્યક્તિઓમાં અનુક્રમે 28 ટકા અને બે ટકા લોકો ટ્રાન્સપ્લાન્ટ બાદ 3 મહિનામાં મૃત્યુ પામ્યા હતા.
દર્દીના મૃત્યુનું કારણ જાણવા સમિતિની રચના કરાશે
સૂત્રોના જણાવ્યાનુસાર, ટ્રાન્સપ્લાન્ટ પછી ફોલો-અપ માટે ન આવેલા દર્દીઓની સ્થિતિ જાણવા માટે આઇકેડીઆરસીમાં કોઈ જ સિસ્ટમ ઉપલબ્ધ નથી. ટૂંકા ગાળામાં જ મૃત્યનું મુખ્ય કારણ ટ્રાન્સપ્લાન્ટ બાદ અંગોના અસ્વીકારને કારણે થયું હતું. ટૂંકા ગાળામાં અંગ ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીના મૃત્યુનું કારણ જાણવા એક સમિતિની રચના કરવા પણ વિચારણા ચાલી રહી છે.
આ પણ વાંચો: 1300 લોકોનાં મોત, સૌરાષ્ટ્રમાં ટાઈટેનિકની જેમ 'વીજળી' બોટની જળસમાધિને 136 વર્ષ પૂરાં
રોબોટ દ્વારા 510 દર્દીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલા છે. આઇકેડીઆરસી દ્વારા જાન્યુઆરી 2013માં રોબોટિક મશીન 9.19 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદાયું હતું. મશીનનો ઉપયોગ 2015માં 98થી ઘટીને 2022માં 6 વખત થયો હતો. મશીનનો ઓછો ઉપયોગ સારવારના ઊંચા ખર્ચ-સિંગલ સ્પેશિયાલિસ્ટ દ્વારા મશીનના ઉપયોગને કારણે થયાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત વર્ષ 2019થી કેડેવર કિડની અંગોની ફાળવણી એક પોઇન્ટ પદ્ધતિ દ્વારા સંચાલિત થાય છે, જે પ્રતિક્ષા યાદીમાં દર્દીઓને પ્રાથમિક્તા આપે છે.
કિડ-લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીએ પરેજી રાખવી જરૂરી
કિડની ટ્રાન્સપ્લાન્ટ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીઓએ ડૉક્ટરો દ્વારા આપવામાં આવતી પરેજી પાળવી ખૂબ જ જરૂરી છે. ઘણાં દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટ બાદ ડાયેટનું પાલન કરતા નથી અને તેના લીધે તેમનું સ્વાસ્થ્ય કથળવાનું જોખમ વધી જાય છે.