સરસપુરમાં મ્યુનિ. કોર્પોરેશનની દબાણની ગાડી નીચે કચડતાં સગીર વિદ્યાર્થિનીનું મોત
પૂર્વમાં વધુ એક હિટ એન્ડની ઘટના ઃ અકસ્માત સર્જી ગાડી લઇ ડ્રાઇવર ભાગી ગયો
ટ્રાફિક ઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ, મંગળવાર
પૂર્વ વિસ્તારમાં સરસપુર ખાતે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ૧૦ વર્ષની સગીરા સાઇકલ લઇને સ્કૂલે જતી હતી આ સમયે પૂર ઝડપે આવી રહેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ ખાતાની ગાડીના ચાલકે ટક્કર મારી હતી જેના કારણે ટાયર નીચે આવી જતાં વિદ્યાર્થિનીનુ સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક ઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ગાડીના ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સવારે સાઇકલ લઇને સ્કૂલે જતી હતી પૂર ઝડપે આવી રહેલી દબાણની ગાડીએ ટક્કર મારતાં ટાયર નીચે આવી જતાં સ્થળ ઉપર જ મોત
સરસપુરમાં રહેતા અને યુવકે ટ્રાફિક ઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણની ગાડીના અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની દસ વર્ષની દિકરી આજે સવારે સાઇકલ લઇને સ્કૂલે જતી હતી ત્યારે સરસપુર આઇટીઆઇ પાસે જૂની આર.સી.ટેકનીકલ કોલેજના ગેટ પાસે સામેથી પૂર ઝડપે આવી રહલી દબાણની ગાડીના ચાલકે વિદ્યાર્થિને ટક્કર મારી હતી જેના કારણે સગીરા ટાયર નીચે આવી જતાં માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર મોત થયું હતું.
આ બનાવના પગલે લોકાના ટોળા એકઠા થતાં અકસ્માત કરીને ગાડીને ડ્રાઇવર ભાગી ગયો હતો આ હિટ એન્ડ રનની ઘટના અંગે ટ્રાફિક ઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ગાડીના ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.