દશ જેટલા ચેઇન સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેવાયો
ડીસીપી ઝોન-2ના સ્ક્વોડના સ્ટાફે લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમદાવાદ,સોમવાર
શહેરના ચાંદખેડા, મેઘાણીનગર, શહેરકોટડા, રાણીપ, બાપુનગર અને શાહીબાગમાં ચેઇન સ્નેચીંગના 10 જેટલા ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને ડીસીપી ઝોન-2 સ્ક્વોડના દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. આ બનાવની વિગતો એવી છે કે ડીસીપી ઝોન-2 ભરત રાઠોડના સ્ક્વોડના પીએસઆઇ કે ડી પટેલને માહિતી મળી હતી કે થોડા દિવસ પહેલા ચાંદખેડામાં સોનાના ચેઇનના સ્નેચીંગના બે કેસ બન્યા હતા.
જે અનુસંધાનમાં પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઇ, ચિરાગભાઇ, અજયભાઇ અને દિનેશભાઇ તેમજ એલઆરડી રોનકભાઇએ બાતમી તેમજ ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે અરૂણ ઉર્ફે મંચુરિયન ઉર્ફે ગીલોડી પટણી ( હાઉસીંગના મકાનમાં, મેઘાણીનગર)ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી સોનાના ત્રણ ચેઇન જપ્ત કર્યા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી રીઢો ગુનેગાર છે અને તે અગાઉ પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે. ત્યારે વધુ પુછપરછ દરમિયાન આરોપી સાથે સંકળાયેલા અન્ય આરોપી અંગેની માહિતી સામે આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.