સુભાષબ્રીજ પાસે છ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા
ડીસીપી ઝોન- ૨ એલસીબીના સ્ટાફે રસ્તો કોર્ડન કરી સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ
ક્રાઇમબ્રાંચે શાહપુરમાંથી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો રાજસ્થાનથી દારૂ લાવવામાં આવ્યો હતો
અમદાવાદ, શુક્રવાર
ડીસીપી ઝોન-૨ એલસીબીના સ્ટાફ દ્વારા સુભાષબ્રીજ પાસે બાતમીને આધારે વોચ ગોઠવીને રાજસ્થાનથી રૂપિયા છ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો લાવનાર બે લુટલેગરોને ઝડપી લીધા હતા. આ ઉપરાંત, ક્રાઇમબ્રાંચે શાહપુરમાં દરોડો પાડીને દારૂનો મોટો જથ્થો જપ્ત કરીને લાલા નામના બુટલેગર સહિતના આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે. ડીસીપી ભરત રાઠોડના સ્ક્વોડના પીએસઆઇ કે ડી પટેલ અને તેમના સ્ટાફને ગુરૂવારે રાતના સમયે ચોક્કસ બાતમી મળી હતી કે મોહંમદ ઝરફાન શેખ અને ઝહાન અજમેરી ઝુંડાલ સર્કલથી દારૂનો જથ્થો લઇને કારમાં સાબરમતી વિસ્તારથી થઇને સુભાષબ્રીજ આવવાના છે. જેના આધારે વોચ ગોઠવીને રસ્તો કોર્ડન કરીને એક કારને રોકી હતી. પરંતુ, કારચાલકે નાસવાનો પ્રયાસ કરતા પોલીસે લાકડીથી કારનો કાચ તોડીને કારને રોક્યા બાદ તપાસ કરતા તેમાંથી રૂપિયા છ લાખની કિંમતની ૧૧૦૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પુછપરછ કરતા દારૂનો જથ્થો લાવનારના નામ મોહંમદ ઝરફાન શેખ (હાજીનો ડેલો, સારંગપુર) અને ઝહાન અજમેરી (જુના મ્યુનિસિપલ ક્વાટર્સ, માધુપુરા) હોવાનું જાણવા મળ્યું હતુ. જે સાહીદ સૈયદ નામના બુટલેગરેે મંગાવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કલોલ, સાંતેજ અને ગાયકવાડ હવેલી અને ક્રાઇમબ્રાંચમાં મોહંમદ શેખ વિરૂદ્ધ ગુના નોંધાયા છે. આ ઉપરાંત, ક્રાઇમબ્રાચે શાહપુરમાં દરોડો પાડીને દારૂનો મોટો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.