વેપારીને ધમકી આપનાર માથાભારે વ્યાજખોર રાજુ રબારીને ઝડપી લેવાયો
ડીસીપી ઝોન-૧ સ્ક્વોડના સ્ટાફની કામગીરી
આરોપી વિરૂદ્ધ વસ્ત્રાપુર , નારણપુરા અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મની લોન્ડરીંગના ગુના નોંધાઇ ચુક્યા છે
અમદાવાદ,રવિવાર
શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા એક વેપારીએ નાણાની જરૂરિયાત હોવાથી તેમણે રાજુ રબારી નામના વ્યાજખોર પાસેથી નાણાં લીધા હતા. જેની વ્યાજ સાથે ચુકવણી કરી હતી. તેમ છતાંય, રાજુ રબારી ધમકી આપતો હતો. જે અંગે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. ડીસીપી ઝોન-૧ સ્ક્વોડના સ્ટાફે રાજુ રબારીને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. શહેરના થલતેજ વિસ્તારમા રહેતા રિતેશ શેઠ નામના વ્યક્તિ ઘાટલોડિયામાં અગરબતીનો વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૨૩માં તેમણે રાજુ રબારી નામના વ્યક્તિ પાસેથી પહેલા પાંચ લાખ રૂપિયા લીધા હતા. જેની સામે રાજુ રબારીએ બે કોરા ચેક લીધા હતા. ત્યારબાદ બીજા ૧૦ લાખ રૂપિયા ૩૦ ટકાના ઉંચા વ્યાજે લીધા હતા. જેની સામે તેમણે રાજુ રબારીને ૩૨ લાખ જેટલી રકમ ચુકવી આપી હતી. તેમ છતાંય, રાજુ રબારી સતત નાણાંની માંગણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી કંટાળીને રિતેશભાઇએ વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાનમાં ડીસીપી ઝોન-૧ સ્ક્વોડના પીએસઆઇ એચ બી ગઢવીએ રાજુ દેસાઇને ઝડપીને વસ્ત્રાપુર પોલીસને હવાલે કર્યો હતો. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.