અમદાવાદના કુખ્યાત ધમા બારડ અને તેની ગેંગ સામે મોટી કાર્યવાહી, ગુજસીટોક હેઠળ ગુનો દાખલ
Ahmedabad Dhama Barad news | શહેરમાં લૂંટ, ધાડ, હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને ખંડણી તેમજ મારામારી જેવા ૨૬ જેટલા ગુના આચરીને અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાવનાર ધમા બારડ અને તેની ગેંગના બે સભ્યો વિરૂદ્ધ ડીસીપી ઝોન-4 દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીના ભાગરૂપે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધવાાં આવ્યો છે.
પોલીસની આ કાર્યવાહીથી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતા અનેક બિલ્ડર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. શહેરના કૃષ્ણનગરમાં દોઢ મહિના પહેલા ધર્મેન્દ્રસિંહ ઉર્ફ ધમો અભેસિંહ બારડ (ઉ.વ.32) (રહે. પાશ્વનાથ ટાઉનશીપ, નવા નરોડા), સાહિલ પટેલ (રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી, કૃષ્ણનગર) અને ચિરાગ મરાઠી (રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી, કૃષ્ણનગર) દ્વારા એક વેપારીને મારમારીને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આ બનાવ બાદ ધમો બારડ અને અન્ય આરોપીઓ ફરાર હતા. ડીસીપી ઝોન-૪ના સ્ક્વોડ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ આર ધવન દ્વારા ટેકનીકલ એનાલીસીસને આધારે ધમા બારડને ઝડપી લીધો હતો.
ધર્મેન્દ્રસિંહ બારડ અને તેની ગેંગ વિરૂદ્ધ છેલ્લાં દશ વર્ષમાં ૨૬ જેટલા ગંભીર ગુના નોંધાયા હતા . જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ધાડ, લૂંટ, પ્રોહીબીશન, ખંડણી, અપહરણ , સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય સહિતનાગુનાનો સમાવેશ થતો હતો. જેના કારણે સ્થાનિક વેપારીઓ તેમજ પૂર્વ વિસ્તારના બિલ્ડરોમાં તેના કારણે સતત ભયનો માહોલ રહેતો હતો. આ બાબતને ગંભીરતાથી લઇને ઝોન-૪ના ડીસીપી ડૉ.કાનન દેસાઇએ આરોપી વિરૂદ્ધ ગુજસીકોટ હેઠળ કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી.
જેના આધારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇએ ધમા બારડ, સાહિલ પટેલ અને ચિરાગ મરાઠી વિરૂદ્ધ ગુજસીટોકની દરખાસ્ત તૈયાર કરીને હતી. જે મંજુર થતા શનિવારે ગુજસીટોકનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીને પગલે સ્થાનિક વેપારીઓ અને બિલ્ડરો તેમજ અન્ય લોકોએ રાહત અનુભવી છે. ધમા બારડનો આતંક એ હદે હતો કે અમદાવાદ પૂર્વના મોટાભાગના વિસ્તારમાં લોકો તેની ગેંગથી ફફડતા હતા. એટલું જ ફરિયાદ કરતા પણ ડરતા હતા.જો કે પોલીસે ધમા બારડની ધરપકડ બાદ તેને પંચનામાની કાર્યવાહી માટે સ્થાનિક વિસ્તારમાં લઇ જઇને લોકો પાસે હાથ જોડાવ્યા હતા.