National Girl Child Day: દત્તક લેવામાં 60%થી વધુ માતા-પિતાની પહેલી પસંદ દીકરી
National Girl Child Day: ‘દીકરી એટલે સાપનો ભારો’ તેવી અત્યંત રૂઢિચુસ્ત-અત્યંત નિમ્ન કક્ષાની માનસિકતામાંથી સમાજ બહાર આવી રહ્યો છે. હવે સમાજમાં ધીરે-ધીરે પરિવર્તનનો સકારાત્મક પવન ફૂંકાવવા લાગ્યો છે. માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવતા બાળકોમાં પણ દીકરીઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ગુજરાતમાં હાલ દત્તક લેવાના પ્રમાણમાં 10માંથી 6 દીકરીઓ હોય છે. આજે (24મી જાન્યુઆરી) ‘નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે’ છે ત્યારે પરિવર્તનનો આ પવન રાહત અપાવનારો છે.
દત્તક લેવામાં દીકરી જ માતા-પિતાની પહેલી પસંદ
ગુજરાતમાં 2023-24માં કુલ 110 બાળકોને દત્તક આપવામાં આવ્યા હતા. આ 110માં 52 બાળકો અને 58 બાળકીનોઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુલ 15 બાળકોને વિદેશમાં રહેતા માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. જેમાંથી 7 દીકરાઓ અને 8 દીકરીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2023-24માં સમગ્ર દેશમાં 1727 બાળક અને 2302 બાળકીઓ એમ કુલ 4029 બાળકોને દત્તક આપવામાં આવ્યા હતા. મોટાભાગના રાજ્યોમાં દત્તક સંતાન તરીકે દીકરી ઉપર જ માતા-પિતા દ્વારા પસંદગી કરાઇ હતી. મહારાષ્ટ્રમાંથી એક વર્ષમાં દત્તક અપાયેલા 597 બાળકોમાંથી 335 દીકરીઓ હતી.
ગુજરાતમાંથી અંદાજે 998 બાળકોને માતા-પિતાનો સાથ મળ્યો
2014-15થી 2023-24 દરમિયાન ગુજરાતમાંથી અંદાજે 998 બાળકોને માતા-પિતાનો સાથ મળ્યો હતો. આ પૈકી 394 દીકરા અને 509 દીકરીઓનો સમાવેશ થાય છે. આ અંગે પાલડી ખાતેના શિશગૃહના સુપ્રિટેન્ડન્ટ રિતેશ દવેએ જણાવ્યું કે, ‘દત્તક સંતાન લેવા માટે આવતા 80 ટકા દંપતિઓ સંતાન તરીકે દીકરીઓને જ પસંદ કરે છે.'
વધુમાં રિતેશ દવેએ જણાવ્યું હતું કે, 'એટલું જ નહીં અગાઉ પોતાનું ખૂદનું સંતાન દીકરી હોય તો પણ બીજા સંતાન તરીકે દીકરી જ દત્તક લેવાનું પસંદ કરતાં હોય તેવા માતા-પિતાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. દંપતિઓનું માનવું હોય છે કે દીકરા કરતાં દીકરી તેમને આજીવન સાથ આપશે. શહેરી જ નહીં હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દંપતિઓ પણ હવે સંતાન તરીકે દીકરી જ વધુ પસંદ કરે છે. તેઓ એટલે સુધી કહે છે કે આ દીકરીને ખૂબ જ ભણાવી-ગણાવીને પગભર કરીશું.'