Get The App

પાંચથી વધુ વાહનોને નુકસાન , અસારવા રેલવે યાર્ડની દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત

ફાયર વિભાગની ટીમ પહોંચે એ પહેલા લોકોએ જ મૃતકોને બહાર કાઢયા

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News

     પાંચથી વધુ વાહનોને નુકસાન , અસારવા રેલવે યાર્ડની દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત 1 - image

  અમદાવાદ,શુક્રવાર,19 એપ્રિલ,2024

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા રેલવે યાર્ડની દિવાલ શુક્રવારે સવારના સુમારે અચાનક ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા.અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફત હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામા આવ્યા હતા.દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં પાંચથી વધુ વાહનોને નુકસાન થયુ હતુ. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે એ પહેલા જ સ્થાનિકોએ મૃતકોને ધરાશાયી થયેલી દિવાલના કાટમાળ નીચેથી બહાર કાઢી લીધા હતા.દિવાલ ધરાશાયી થવા અંગેના કારણની ફાયર તથા પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામા આવી રહી છે.

અસારવા વિસ્તારમાં આવેલી દાદા હરિની વાવ પાસે આવેલી રેલવે યાર્ડની દિવાલ ધરાશાયી થઈ હોવાનો સવારે ૯.૪૫ કલાકે અમદાવાદ ફાયર વિભાગને કોલ મળતા ફાયર વિભાગ દ્વારા સ્ટેશન ઓફિસર સહિતના સ્ટાફને રેસ્કયૂ કામગીરી માટે ઘટના સ્થળે મોકલી આપ્યા હતા.ફાયર વિભાગની ટીમ પહોંચે એ પહેલા દિવાલના કાટમાળ નીચે દટાયેલા માનસી કુનીરામ જાટવ,ઉંમર વર્ષ-૫૫ અને સિદ્દીક પઠાણ, ઉંમર વર્ષ-૪૦ને કાટમાળમાંથી મૃત હાલતમાં બહાર કાઢયા હતા.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાના કહેવા મુજબ, દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં ગણપતસિંહ ગજુસિંહ વાઘેલા, ઉંમર વર્ષ-૫૦,મહેન્દ્ર સેંધાજી ઠાકોર, ઉંમર વર્ષ-૩૭ તેમજ શહીદ નિઝામુદ્દીન,ઉંમર વર્ષ-૪૦ને વત્તા-ઓછા અંશે ઈજા થઈ હોવાથી ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.


Google NewsGoogle News