કાગળ પર જમીન: કચ્છમાં દલિતોને 42 વર્ષે મળ્યો જમીનનો વાસ્તવિક કબજો
Dalits Got Real Possession Of Land In Kutch : કચ્છમાં દલિતોને માત્ર કાગળ પર જમીન મળી હતી. જે મુદ્દે ખેડૂતો વર્ષોથી જમીનનો વાસ્તવિક કબજો મેળવવા માગ કરી રહ્યા હતા. ગાંધીનગર પોલીસ ભવન ખાતે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત અનુસૂચિત જાતિના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ આખરે રજૂઆતને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીની જમીનોના પ્રત્યક્ષ કબજો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સોંપવામાં આવ્યા.
પોલીસ બંદોબસ્ત સાથે કબજાની સોંપણી
કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામ મતવિસ્તાર ધારાસભ્ય માલતીબહેન મહેશ્વરી અને તંત્ર દ્વારા મંડળીના પ્રમુખ વિરજીભાઈ દાફડાને જમીનના કબજાની પાવતી સોંપવામાં આવી. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના મનફરા, બંધની, કળોલ ગામોમાં પ્રાંત અધિકારી ભચાઉ સહિત ભચાઉના મામલતદાર દ્વારા કાર્યવાહી બાદ પોલીસ બંદોબસ્ત સાથે કબજાની સોંપણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : કચ્છના મુન્દ્રામાં ભાજપના આગેવાનો વચ્ચે થઈ મારામારી, ઘટનાનો વીડિયો થયો વાયરલ
જમીનના વાસ્તવિક કબજા માટે દલિતોએ કર્યું હતું આંદોલન
કચ્છમાં વર્ષોથી દલિતોને માત્ર કાગળ પર જમીન મળી હતી. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કચ્છ વિસ્તારમાં દલિતોને જમીનનો વાસ્તવિક કબજો અપાવવા માટે આંદોલન શરૂ કર્યું હતું. સમગ્ર મામલમાં જુલાઈ મહિનામાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા જિલ્લામાં આવેલ મંડળીઓની જમીનની હાલની પરિસ્થિતિને લઈને વિગતવાર માહિતી મેળવવા આવી હતી. આ ઉપરાંત, કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા સાથે ચર્ચા વિચારણા કરીને બિન વિવાદાસ્પદ જમીનો મંડળીના સભાસદોને સોંપવામાં આવે તેવી સૂચના આપી હતી.
રાપર અને ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીની જમીનોના હાલમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, ટુંક સમયમાં બંને તાલુકામાં બાકી રહેતી જમીનો મૂળ સભાસદોને સોંપવામાં આવશે, એવું કચ્છ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.