દાહોદમાં હિટ એન્ડ રન: જૈન સાધ્વી અને શ્રાવકના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત
Dahod Hit and Run: ગુજરાતના દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગુરૂવારે (13 ફેબ્રુઆરી) વહેલી સવારે દાહોદના કંબોઈ નજીક અજાણ્યા વાહને જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લીધા અને ફરાર થઈ ગયું હતું. અકસ્માતના કારણે સાધ્વી અને શ્રાવકનું મોત નિપજતા સમગ્ર સમાજમાં શોકનો માહોલ છે.
આ પણ વાંચોઃ નર્સિંગની પરીક્ષા માન્ય રાખવી કે નહીં? GTU ને સોંપાયો રિપોર્ટ, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય
શું હતી સમગ્ર ઘટના?
હાલ દાહોદમાં 21 થી 25 તારીખ સુધી પંચકલ્યાણ મહોત્સવ અંતર્ગત પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યભરમાંથી સાધુ-સાધ્વીઓ પગપાળા દાહોદ પહોંચી રહ્યાં છે. આ દરમિયાન ગુરૂવારે (13 ફેબ્રુઆરી) વહેલી સવારે એક જૈન સાધ્વી અને શ્રાવક પણ દાહોદ તરફ વિહાર કરી રહ્યાં હતાં. ત્યારે અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવતાં એક અજાણ્યા વાહને સાધ્વી અને શ્રાવકને ટક્કર મારી અને ફરાર થઈ ગયું. અકસ્માત એટલો ગંભીર હતો કે, સાધ્વી અને શ્રાવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પોલીસે હાથ ધરી તપાસ
હાલ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, હજુ સુધી આ અજાણ્યા વાહન વિશે કોઈ માહિતી મળી શકી નથી. પોલીસે વાહન અને ડ્રાઇવર બંને વિશે તપાસ કરી રહી છે.