અમદાવાદમાં આનંદનગરમાંથી પકડાયેલા ડબ્બા ટ્રેડિંગની તપાસ સાયબર ક્રાઈમ બ્રાંચને સોંપાઈ

આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જિજ્ઞેશ સોનીની ઓફિસે દરોડા પાડીને ત્રણ લોકોની ધરપકડ કરી હતી

રાજ્યના પોલીસવડાના આદેશને પગલે સાયબર ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં આનંદનગરમાંથી પકડાયેલા ડબ્બા ટ્રેડિંગની તપાસ સાયબર ક્રાઈમ બ્રાંચને સોંપાઈ 1 - image



અમદાવાદઃ ગત 19 જુલાઈએ સ્ટેટ મોનિટરિંગ સેલે ક્રિકેટ સટ્ટા અને શેરબજારના ડબ્બા ટ્રેડિંગ પર દરોડો પાડીને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. સટ્ટા-ડબ્બા ટ્રેડિંગનું સંચાલન જીજ્ઞેશ સોની કરી રહ્યો હતો જે અમદાવાદના ખાડિયામાં કુખ્યાત પ્રદીપ ડોનની હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજામાં જેલમાં 10 વર્ષ જેટલો સમય રહ્યા બાદ બે વર્ષ પહેલાં જેલમાંથી બહાર આવ્યો હતો અને બહાર આવતાંની સાથે જ તેણે દુબઈના બુકીઓ સાથે મળીને સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ગોઠવી નાખ્યું હતું. એસએમસીને રેડ દરમિયાન જિજ્ઞેશ સોનીની ઓફિસની અંદર અને બહાર CCTV અને બાયોમેટ્રીક ગેટ જોવા મળ્યા હતા. હવે આ કેસની તપાસ રાજ્યના પોલીસવડાના આદેશને પગલે સાયબર ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. 

ગત 19મી જુલાઈએ એસએમસીએ રેડ કરી હતી

ગત 19મી જુલાઈએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા આનંદનગર વિસ્તારમાં આવેલા પીએનટીસી બિલ્ડિંગમાં દરોડો પાડીને સટ્ટો રમાડી રહેલા તેમજ ડબ્બા ટ્રેડિંગ કરી રહેલા જીજ્ઞેશ સોની, ખેતાન પટેલ, હર્ષલ સોનીને પકડી પાડ્યા હતા. આ ત્રણેય પાસેથી આઠ મોબાઈલ, ત્રણ લેપટોપ, એક ડાયરી, ચાર રાઈટિંગ પેડ સહિત 1.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ ત્રણેયની પૂછપરછ કરવામાં આવતાં ત્રણેયે જણાવ્યું કે ક્રિકેટનો સટ્ટો તેઓ રાધે એક્સચેન્જ આઈડી પર રમાડી રહ્યા હતા. આ આઈડી દુબઈમાં બેઠેલા એરિક શાહ, રાજ પટેલ અને હાલ દુબઈમાં છુપાઈ ગયેલા ટોમી ઉંઝા દ્વારા બનાવવામાં આવ્યું છે. 

ડબ્બા ટ્રેડિંગ એરોબ્રિક્સ નામના સર્વર પરથી રમાડાતુ હતું

જ્યારે શેર ડબ્બા ટ્રેડિંગ એરોબ્રિક્સ નામના સર્વર પરથી રમાડવામાં આવતું હતું. આ સર્વર એરિક શાહ, અજીત ખત્રી, હરેશ ધરસંડીયા, જીગર અને જેનિલ દ્વારા બનાવવામાં આવ્યું છે. જેના મારફતે ડબ્બા ટ્રેડિંગનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલના જણાવ્યા પ્રમાણે ક્રિકેટ આઈડી પર સટ્ટો રમી રહેલા આઠ અને સર્વર પર ડબ્બા ટ્રેડિંગ કરનારા 11 ગ્રાહકોના નામ પણ સામે આવ્યા હતાં.જેમની સામે પણ ગુનો નોંધીને શોધખોળ શરૂ કરાઈ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપીઓની ધરપકડ કરીને તેની સોંપણી અમદાવાદની આનંદનગર પોલીસને કરવામાં આવી હતી. હવે આ કેસની તપાસ સાયબર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતાં ફરાર આરોપીઓની પણ ક્રાઈમ કુંડળી સામે આવી શકે છે. 


Google NewsGoogle News