બિલના બદલામાં બબાલની આદત: વાળ કાપવાના પૈસા માગનાર સલૂન માલિકની ગ્રાહકે કરી હત્યા
Ahmedabad Crime: અમદાવાદના વટવા ખાતેના એક સલૂનમાં પેમેન્ટ વિવાદે ચોંકાવનારો વળાંક લીધો હતો. ગ્રાહકે વાળ કાપવા બદલે નાણાં ન ચૂકવતા વિવાદ થયો હતો, જે હત્યામાં ફેરવાયો. 35 વર્ષીય વસીમ અહેમદ પર પોતાના જ સલૂનમાં ગુરુવારે (26 ડિસેમ્બર) સાંજે એક ગ્રાહક દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. અહેમદ છેલ્લા ચાર વર્ષથી પોતાનો વ્યવસાય ચલાવતા હતાં. જોકે, ગુરૂવારે ગ્રાહક સાથે પેમેન્ટ બાબતે થયેલી દલિલ બાદ આરોપી મોહિદ ખાને કથિત રીતે ચાકુ વડે હુમલો કરી વસીમ અહેમદની હત્યા કરી દીધી.
વટવા પાસે કલાપી હેર સલૂનમાં બની હતી.
અહેમદના મોટા ભાઈ મોહમ્મદ મોહસીનના જણાવ્યા અનુસાર, સાંજે 6:30 વાગ્યાની આસપાસ વટવાના તસ્લીમ સોસાયટીના રહેવાસી મોહિદ ખાને વાળ કપાવ્યા બાદ પૈસા આપવાનો ઇનકાર કરતાં ઝઘડો શરૂ થયો હતો. બાદમાં આ ઝઘડો હિંસક બની ગયો અને આરોપી મોહિદે સલૂનના માલિક અહેમદ પર ચાકુથી જીવલેણ હુમલો કરી ત્યાંથી ભાગી ગયો. બાદમાં અહેમદ પોતાની દુકાનમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને ખૂબ લોહી વહી રહ્યું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ વધુ લોહી વહી જવાના કારણે તેનું તે પહેલાં જ મોત નીપજ્યું હતું.
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મોહિદ ખાન સાથે સંકળાયેલી આ પહેલી ઘટના નથી. આરોપી આ પહેલાં પણ બિલ ચૂકવણી બાબતે વિવાદ થયો હોવાનો ઈતિહાસ ધરાવે છે. ભૂતકાળમાં પણ તેણે આ દુકાનને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપી હતી. જો કે, આ હુમલા પહેલાં મૃતક કે તેમના પરિવાર દ્વારા કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં નહતી આવી. મૃતકે લાંબા સમય સુધી મોહિદ ખાનના વર્તનને સહન કર્યું, પરંતુ આ વખતે આ ઝઘડો ખૂબ આગળ વધી ગયો.
વટવા પોલીસ સ્ટેશને મોહિદ ખાન વિરુદ્ધ હત્યાના આરોપ સહિત ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હાલ, આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વસીમ અહેમદના પરિવારમાં તેની પત્ની નસરીન અને ત્રણ અને પાંચ વર્ષના તેમના બે નાના બાળકો છે. હાલ, તેમના મૃત્યુથી સમગ્ર પરિવાર શોકમાં છે.