અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે રિક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચૂકવીને દાગીના ચોરતા ચાર આરોપીને ઝડપ્યા

ક્રાઈમ બ્રાંચે સોનાની ચેઈન, સોનાનું મંગળસુત્ર અને રિક્ષા સહિત 2.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે રિક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચૂકવીને દાગીના ચોરતા ચાર આરોપીને ઝડપ્યા 1 - image



અમદાવાદઃ ગુજરાતમાં રિક્ષામાં બેઠેલા મુસાફરની નજર ચૂકવીને કિમતી સામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં આ ગેંગ દ્વારા અનેક મુસાફરો ભોગ બન્યાં છે. ત્યારે ક્રાઈમ બ્રાંચે રિક્ષામાં બેઠેલી મહિલાઓની સોનાના દાગીના ચોરતા ચાર આરોપીઓને પકડી પાડ્યાં છે. આરોપીઓ પાસેથી 2.82 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે ચાર આરોપીઓ ઝડપ્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોને લૂંટનાર ગુનેગારોને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાંચને સૂચના મળી હતી. આ સૂચના મળતાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સક્રિય થઈ ગયાં હતાં. ખાનગી બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે રિક્ષામાં બેઠેલા મુસાફરોને લૂંટતા ચાર ગુનેગારોને સાબરમતિ નજીક ત્રાગડ પાસેથી ઝડપી લીધા હતાં. ઝડપાયેલા આરોપીઓમાં કડીનો શાહરૂખ કલાલ, કડીનો તારીફ અંસારી, કડીનો આસિફ અંસારી અને વાસુદેવ સુથારનો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાંચે આરોપીઓ પાસેથી 1.72 લાખની કિંમતની સોનાની ચેઈન, 1.10 લાખનું સોનાનું મંગળસુત્ર, રિક્ષા અને મોબાઈલ જપ્ત કર્યો છે. 

નજર ચૂકવીને કિમતી દાગીનાની ચોરીઓ કરતા હતાં

ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે, તેઓ ઓટો રીક્ષામા પેસેન્જર બેસાડી તેમની નજર ચૂકવી દર દાગીના તથા કિંમતી માલસામાનની ચોરીઓ કરતા હતાં. કબજે લીધેલ સોનાની ચેઇન તથા મંગલસુત્ર સબંધે આરોપીઓએ જણાવ્યું હતું કે, આજથી પંદરેક દિવસ પેહેલાં ઓટો રીક્ષામા સુભાષબ્રીજ આર.ટી.ઓ. બસ સ્ટેશન પાસેથી બે મહિલાઓને રાણીપ જવાનું હોવાથી તેમને રીક્ષામાં બેસાડી સુભાષબ્રીજથી રાણીપ સુધીના રસ્તા દરમ્યાન નજર ચૂકવી એક મહિલાના થેલામાંથી સોનાની ચેઇન ચોરી હતી તથા આજથી પાંચેક મહિના પહેલા આરોપીઓએ શાહદાબ વહાઝુદીન અંસારી, અલીછોટેખાન પઠાણ, આસમહોંમદ મણીયાર સાથે મળી આસમહોંમદ મણીયારની રીક્ષામાં રાધનપુરથી લેડીઝ પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી મંગળસુત્રની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. 

આરોપીઓ સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે

આરોપી શાહરૂખ સામે અમદાવાદમાં કાગડાપીઠ અને સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. જ્યારે તારિક અંસારી સામે સેટેલાઈટ, ગોમતીપુર, રામોલ, માધવપુરા, સાબરમતિ, વસ્ત્રાપુર, નરોડા, ઈસનપુર, રાણીપ અને ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. તે ઉપરાંત આસિફ અંસારી સામે સેટેલાઈટ, માધવપુરા, કલોલ, અડાલજ અને શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. જ્યારે વાસુદેવ સુથાર સામે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ તમામ આરોપીઓ એક બીજાની મદદગારીથી રિક્ષામાં મહિલા મુસાફરોને બેસાડીને નજર ચૂકવી કિંમતી દર દાગીનાની ચોરી કરતાં હતાં. 


Google NewsGoogle News