ભાજપે આ દિગ્ગજ નેતાને કહી દીધું- ગુજરાતનો આ મોટો હોદ્દો તમે જાળવી રાખો, ડિસેમ્બર પછી વિચારીએ
Gujarat Politics: લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં કોંગ્રેસ સક્રિય થતાં ભાજપના પ્રદેશ નેતાઓનું બ્લડપ્રેશર વધી ગયું છે. આગામી સ્થાનિક ચૂંટણીમાં ધબડકો ન થાય તે માટે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. આ સંજોગોમાં એવી અટકળો ચાલી રહી છે કે પાર્ટીનું દિલ્હી સ્થિત હાઈકમાન્ડ ગુજરાતના સંગઠન માળખામાં હાલ કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી. અર્થાત હોદ્દો છોડવાની ઇચ્છા પ્રદર્શિત કરી ચૂકેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ડિસેમ્બર સુધી યથાવત્ રખાશે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી હોવાથી લેવાયેલો નિર્ણય!
શુક્રવારે (19મી જુલાઈ) કમલમ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ અને જિલ્લાના આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે મંથન કરવામાં આવ્યું છે અને આગામી કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારી, પ્રદેશ અને જિલ્લા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે એવો સંકેત મળ્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્રદેશ પ્રમુખની વરણી થવાની સંભાવના ઓછી જણાય છે. રાજ્યમાં 75 પાલિકા, 17 તાલુકા પંચાયત બે જિલ્લા પંચાયત અને 7000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી ત્રણેક મહિનામાં યોજાઈ શકે છે. હાલ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પણ વાંચો: ભાજપમાં સમાધાન કરાવવા હવે RSSએ મોરચો સંભાળ્યો, 5 કદાવર નેતાઓની બોલાવી બેઠક
સંગઠનાત્મક ફેરફાર કરાયા
ભાજપનું સંગઠન એક્શનમાં આવ્યું છે. સી.આર. પાટીલના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ બરતરફ કરવામાં આવ્યા છે. તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંગઠનના સહપ્રભારમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. બીજી તરફ, ખાલી પડેલા પદો પર અન્યને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. ખેડા જિલ્લાના પ્રભારી તરીકે કુશળસિંગ પઢેરિયાને મૂક્યા છે. જૂનાગઢના પ્રભારી તરીકે મુકેશ દાસાણીને જવાબદારી અપાઈ છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જવાબદારી ભરત આર્યને સોંપાઈ છે. એ ઉપરાંત અન્ય આગેવાનોને પણ વિવિધ જવાબદારીઓ આપવામાં આવી છે.