વીસ દિવસમાં ઢોરવાડામાં પાંચસો ગાયના મોત થયાનો વિપક્ષનો આક્ષેપ
મ્યુનિ.બોર્ડ બેઠકમાં ગાય મુદ્દે રાજકારણ
અમદાવાદ,શુક્રવાર,22 ડિસેમ્બર,2023
અમદાવાદ મ્યુનિ.ની મળેલી બોર્ડ બેઠકમાં ગાય મુદ્દે રાજકારણ
ગરમાયુ હતુ.બેઠકમાં વિપક્ષનેતાએ ડિસેમ્બરના વીસ દિવસમાં મ્યુનિ.ના વિવિધ
ઢોરવાડામાં રાખવામાં આવેલી પાંચસો ગાયના મોત થયાનો આક્ષેપ કર્યો હતો.
મ્યુનિ.બોર્ડ બેઠકના આરંભે ઝીરો અવર્સની ચર્ચામાં
વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે,ગુજરાત
હાઈકોર્ટના આદેશ બાદ શહેરના જાહેર રસ્તાઓ ઉપરથી સી.એન.સી.ડી.વિભાગ તરફથી રખડતા પશુ
પકડવામાં આવતા હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો.૧ જાન્યુઆરી-૨૦૨૩થી ડિસેમ્બર
સુધીમાં શહેરમાં રખડતા ૧૪૭૮૦ પશુ તંત્ર તરફથી પકડી ઢોરડબામાં પુરવામાં આવ્યા
હતા.નેતાએ આક્ષેપ કરતા કહયુ,મ્યુનિ.તંત્ર
પાસે નવ હજાર કરોડનુ બજેટ હોવાછતાં રખડતા પકડવામાં આવેલા પશુઓને રાખવા માત્ર ત્રણ
કેટલ પોન્ડ છે.જેમાં ૬૧૦૦ પશુ રાખવાની વ્યવસ્થા છે.મ્યુનિ. સંચાલિત ઢોરડબામાં
પકડવામાં આવતા ગાય સહિતના અન્ય પશુઓની યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નહીં હોવાથી એક
મહિનામાં અંદાજે ૬૦૦ જેટલી ગાયના મોત થતા હોય છે.વિપક્ષનેતાના આક્ષેપ સામે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પક્ષના બચાવમાં આવ્યા હતા.તેમના કહેવા મુજબ,ઢોરડબામાં રખાતી
ગાયોને લીલા-સુકા ઘાસચારા સહિત પોષણક્ષમ આહાર આપવામાં આવે છે.પરંતુ અગાઉ ગાયોએ
પ્લાસ્ટીક ખાધુ હોવાથી આપાતો પૌષ્ટીક આહાર પચાવી શકતી નહી હોવાથી ગાયોના મોત થયા
હતા એ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં પણ સ્પષ્ટ થયુ છે.શહેરમાં ૨૧૮ સ્થળે લોકો જાહેર રોડ
ઉપર કચરો નાંખે છે.આ કચરામાં પ્લાસ્ટીક વેસ્ટ પણ હોય છે એ પણ તમે બંધ કરાવી શકયા
નથી એ પ્રકારની વિપક્ષની રજુઆત બાદ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટિઅ ભાજપે રામ મંદિર અને કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ
હટાવી એવો જવાબ આપતા બેઠકમાં થોડો સમય
હોબાળો મચી ગયો હતો.
મ્યુનિ.બોર્ડ બેઠકમાં કોંગ્રેસ સામે કોંગ્રેસના દ્રશ્યો
જોવા મળ્યા
મ્યુનિ.બોર્ડ બેઠકમાં કોંગ્રેસ સામે જ કોંગ્રેસ મેદાનમાં
ઉતરી હોય એવા દ્રશ્ય જોવા મળ્યા હતા.ઝીરો અવર્સમાં મ્યુનિ.વિપક્ષનેતા રજુઆત કરતા
હતા એ સમયે કોંગ્રેસના ઈકબાલ શેખ સહિત ચાર કોર્પોરેટરો ઉભા થઈ ગયા હતા અને તમે
લોકશાહીનુ ખુન કર્યુ છે એવો આક્ષેપ કરી બેઠક છોડી ગયા હતા.સાંસદોને લોકસભામાંથી
સસ્પેન્ડ કરવાનો મુદ્દો મ્યુનિ.બોર્ડ બેઠકમાં લાવનારા કોંગ્રેસના કોર્પોરેટરો મ્યુનિ.બેઠક
છોડી નીકળી જતા ગૃહના સભ્યો તેમના આ વર્તનની ટીકા કરતા નજરે પડયા હતા.