Get The App

સાણંદ નજીક કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં પોપ્યુલર ગ્રુપના રમણ પટેલને જામીન આપવા કોર્ટનો સાફ ઇનકાર

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
સાણંદ નજીક કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં પોપ્યુલર ગ્રુપના રમણ પટેલને જામીન આપવા કોર્ટનો સાફ ઇનકાર 1 - image


Raman Patel Bail Application Rejected : બોગસ અને બનાવટી દસ્તાવેજોના આધારે સાણંદ તાલુકાના ચેખલા ગામે કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના ચકચારભર્યા પ્રકરણમાં પોપ્યુલર ગ્રુપના આરોપી બિલ્ડર રમણ પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીકટ જજ કે.એલ. સોજીત્રાએ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કોર્ટે આરોપી રમણ પટેલને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. 

વઘુ એક વખત કોર્ટે જામીન ફગાવ્યા : જુદા જુદા ગુનાઓને લઇ રમણ પટેલ છેલ્લા ચાર વર્ષથી જેલમાં

આરોપી રમણ પટેલના જામીન ફગાવતાં કોર્ટે જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં આરોપી વિરૂદ્ધ ગંભીર પ્રકારનો ગુનો છે અને જો આરોપીને જામીન પર મુકત કરાય તો કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડાં થવાની પણ શકયતા નકારી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, જમીન પચાવી પાડવાના જુદા જુદા ગુનામાં પોપ્યુલર ગ્રુપના આરોપી બિલ્ડર રમણ ભોળીદાસ પટેલ છેલ્લા ચાર વર્ષથી જેલમાં છે. વઘુ એક વખત કોર્ટે તેના જામીન ફગાવી દીધા છે. 

ચકચારભર્યા આ કેસની વિગત મુજબ, સાણંદ તાલુકાના ચેખલા ગામે કરોડો રૂપિયાની જમીન બનાવટી દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના પ્રકરણમાં પોલીસે ડિસેમ્બર-2023માં પોપ્યુલર ગ્રુપના આરોપી બિલ્ડર રમણ પટેલની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપી રમણ પટેલે કરેલી જામીન અરજીનો સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપી રમણ ભોળીદાસ પટેલએ સહઆરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરૂ રચી ચેખલા ગામની કરોડો રૂપિયાની જમીન પ્રતિબંધિત સત્તા પ્રકારની હોવા છતાં અને જેનો દસ્તાવેજ થઇ શકે નહી તેમ જાણતા હોવા છતા આ જમીનનો જુદી જુદી કંપનીઓના નામે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો. 

એટલું જ નહી, આ વેચાણ દસ્તાવેજો સાણંદ મામલતદાર કચેરીમાં નવી શરતની જમીન જૂની શરતમા ફેરવવા સંદર્ભે ખોટો અને બનાવટી હુકમ તૈયાર કરી રજૂ કર્યો હતો. કરોડોની જમીનનો દસ્તાવેજો જુદી જુદી કંપનીઓના નામે કરી લીધેલ હોય જે વેચાણ દસ્તાવેજ કરી લેનારની વિગતો અને આરોપી વિરૂઘ્ધના પૂરતા પુરાવા પોલીસને મળી આવ્યા છે. આરોપી રમણ પટેલ સામે ખેડૂતોની જમીનો પચાવી પાડવાના કુલ 11 જેટલા ગુના નોંધાયેલા છે. જેમાં પોલીસે ધરપકડ કરી હતી. 

આરોપી નાણાંકીય જોરે ખેડૂતોની જમીનો પચાવી પાડવાની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો ચે. આરોપીને જામીન પર મુકત કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડાં થવાની શકયતા નકારી શકાય તેમ નથી. આ કેસમાં ફરિયાદી અને મહત્વના સાક્ષી તરફથી પણ રમણ પટેલને જામીન નહીં આપવા માટે લેખિતમાં વાંધા અરજીઓ કરી હતી. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે આરોપી રમણ પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. 


Google NewsGoogle News