Get The App

અમદાવાદમાં મંદિરથી પરત ફરી રહેલા દંપતિને ટ્રકે અડફેટે લેતાં ઘટનાસ્થળે મોત, ટ્રક ડ્રાઇવર ફરાર

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
અમદાવાદમાં મંદિરથી પરત ફરી રહેલા દંપતિને ટ્રકે અડફેટે લેતાં ઘટનાસ્થળે મોત, ટ્રક ડ્રાઇવર ફરાર 1 - image


Road Accident in Ahmedabad : આજે વહેલી સવારે વસ્ત્રાલ રીંગ રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ સર્જાયો છે. જેમાં મંદિરથી દર્શન કરીને પરત ફરી રહેલા દંપતિની બાઇકને ટ્રક ચાલકે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. રામોલ અને  આઇ ડીવીઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક એક ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર દંપતિને 100 ફૂટ જેટલા ઢસેડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મોતને ભેટનાર દંપતિ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ કાંતિભાઇ પટેલ અને દક્ષાબેન પટેલ તરીકે કરવામાં આવી છે. ટ્રક ડ્રાઇવરે જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે તે ફોન પર વાત કરી રહ્યો હોવાનું પણ હાજર લોકોએ જણાવ્યું હતું. 

અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકો દોડી આવતાં ભારે ભીડ જામી હતી. જેના લીધે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવર નાસી ગયો હતો, જ્યારે પોલીસનું કહેવું છે કે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ અઠવાડિયામાં ત્રીજીવાર અકસ્માત સર્જાયો છે. અહીં સ્પીડબ્રેકર અને બમ્પ ન હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે. 


Google NewsGoogle News