પ્લાન ફેલ! અમદાવાદ ઍરપૉર્ટ પર 13.80 કરોડની ઘડિયાળની સ્મગલિંગ કરતું દંપતી ઝડપાયું
Smuggling On Ahmedabad Airport : અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ સ્મગલર્સ માટે હબ બની ગયું છે અને છાશવારે દાણચોરીની ઘટના સામે આવી રહી છે. ઍરપૉર્ટમાં હવે અબુધાબીથી આવી રહેલા દંપતી પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા રૂપિયા 13.80 કરોડની ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે.
કસ્ટમ્સને ચકમો આપવા ઘડિયાળ પહેરીને બોક્સ બેગેજમાં રાખ્યા, પતિ-પત્ની અલગ-અલગ ફ્લાઇટમાં આવ્યા
અમદાવાદ ઍરપૉર્ટથી કસ્ટમ્સ દ્વારા જપ્ત કરાયેલી ઘડિયાળો પૈકી એક ઘડિયાળની કિંમત 12 કરોડ 50 લાખ રૂપિયા છે જ્યારે બીજી ઘડિયાળની કિંમત 1 કરોડ 30 લાખ રૂપિયા છે. આમ કુલ 13 કરોડ 80 લાખ રૂપિયાની સ્મગલિંગની ઘડિયાળો જપ્ત કરાઈ છે. પેસેન્જર બેગેજમાં લવાતી ઘડિયાળો પર 40 ટકા ડ્યુટી લેવાય છે પણ આ દંપતિએ કસ્ટમ્સ વિભાગના અધિકારીઓની આંખોમાં ધૂળ નાંખવા માટે ઘડિયાળ હાથમાં પહેરી હતી જ્યારે બોક્સ બેગેજમાં મૂકી દીધા હતા. આ ઉપરાંત પતિ અને પત્ની અલગ-અલગ ફ્લાઇટમાં આવ્યા હતા.
પતિ એર અરેબિયાની ફ્લાઇટમાં અમદાવાદ આવ્યો હતો. તેના અડધો કલાકના અંતરમાં જ ઇન્ડિગોની ફ્લાઇટમાં તેની પત્ની આવી હતી. બંને ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના અરાઇવલ પાસે કન્વેયર બેલ્ટ નજીક લગેજ લેવા માટે ઊભા હતા તે દરમિયાન લગેજ લઈને નીકળતી વખતે કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને શંકા જતાં તેમણે પૂછપરછ કરી હતી, પરંતુ દંપતીએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેથી તેમના સામાનની તપાસ કરતાં તેમાંથી ઘડિયાળના બોક્સ મળી આવ્યા હતા અને પછી તેમના હાથ ઉપર પહેરેલી ઘડિયાળો દેખાઈ હતી.
ઘડિયાળના મોડલ નંબર પરથી કસ્ટમર અધિકારીઓને ખબર પડી કે આ બંને ઘડિયાળો ભારતમાં બહુ ઓછા લોકો પહેરતા હોય છે. અમદાવાદના ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ઉપર અત્યાર સુધીમાં આટલી મોંઘી ઘડિયાળો પકડાઈ હોય તેવો પહેલો કિસ્સો નોંધાયો છે, કસ્ટમ વિભાગે પતિ-પત્નીના નિવેદનો લીધા છે અને બંનેની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ્સ અધિકારીઓએ તેમની ટ્રાવેલ હિસ્ટ્રી અને પ્રોફાઇલ ચેક કરતાં ખબર પડી કે આ દંપતી અવારનવાર દુબઈ અને અબુધાબી જાય છે. કસ્ટમના અધિકારીઓએ તપાસ કરતાં એવી માહિતી બહાર આવી કે મહિલા પેસેન્જર પાસે ઓડેમોર્સ પીગેટનું રોયલ મોડલ હતું જેની કિંમત 1 કરોડ 30 લાખ થવા જાય છે જ્યારે તેના પતિ પાસેથી રિચડ મિલેની કાંડા ઘડિયાળ મળી છે જેની કિંમત 12 કરોડ 50 લાખ છે.
રૂ. 5.52 કરોડની ડ્યુટી બચાવવા જતાં જેલભેગા થયા
ભારતમાં ધનવાન વ્યક્તિઓની સંખ્યા વધારે છે પણ તેઓ પણ 12-15 કરોડની ઘડિયાળ ભાગ્યે જ પહેરતા હોય છે. આવી ઘડિયાળ પેસેન્જર કોના માટે લઈને આવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે. આવી ઘડિયાળો ભારતમાં ઇમ્પોર્ટ કરવામાં આવે તેના બદલે પેસેન્જર ફ્લાઇટમાં લઈને આવે તો કસ્ટમ ડ્યુટી બચી જાય છે. હાલ જે ઘડિયાળો પકડાઈ છે તે બંને ઘડિયાળની મૂળ કિંમત 13 કરોડ 80 લાખ છે જેના પર પેસેન્જરને બેગેજ ડ્યુટી 40% ભરવી પડે છે એટલે કસ્ટમ ડ્યુટી 5 કરોડ 52 લાખ રૂપિયા થવા જાય છે.
ઘડિયાળ લેવા આવનારો સાત કલાક બેઠો પછી ફરાર
અમદાવાદ ઍરપૉર્ટ ઉપર ઘડિયાળો લેવા માટે આવેલો શખ્સ ઍરપૉર્ટના ટર્મિનલ ટુ બિલ્ડિંગની બહાર સાત કલાક સુધી રાહ જોઈને બેઠો હતો. ત્યારબાદ તેણે દુબઈમાં ફોન કર્યો હતો ત્યારે ખબર પડી કે કસ્ટમ વિભાગ એ પકડી લીધા છે ત્યાર પછી તે ત્યાંથી ભાગી ગયો હતો
સ્મગલર દંપતિનો અબુધાબીમાં પર્ફ્યૂમનો બિઝનેસ
અમદાવાદના ઍરપૉર્ટ પર પકડાયેલા દંપતીની મોડી રાત્રે સુધી પૂછપરછ કરાઈ હતી અને બંને જણા અબુધાબીમાં પફ્ર્યુમનો બિઝનેસ કરતાં હોવાનું જણાવ્યું હતું. બંને રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી છે અને એક લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે આવ્યા હતા. અમદાવાદ આવે તે પહેલા પેસેન્જરના મામાએ આ ઘડિયાળ તેમને આપી હતી અને એવું કહ્યું હતું કે તમે ઍરપૉર્ટની બહાર નીકળશો એટલે હું ફોન કરું એ વ્યક્તિને ઘડિયાળ આપી દેજો.