Get The App

દેશના નવા ઉજ્જડ એરપોર્ટ જ્યાં એક પણ ફ્લાઇટની અવર-જવર થતી નથી, પ્રવાસી ફરકતાં જ નથી!

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
દેશના નવા ઉજ્જડ એરપોર્ટ જ્યાં એક પણ ફ્લાઇટની અવર-જવર થતી નથી, પ્રવાસી ફરકતાં જ નથી! 1 - image


Airport Service : નવા એરપોર્ટ ભલે ઝાકમજોળ ભર્યા હોય પરંતુ તેનાથી વિમાન પ્રવાસીઓને આકર્ષી શકાતા નથી તે વાત નવા બનેલા એરપોર્ટ પરથી કહી શકાય છે. કેટલાક નવા એરપોર્ટને ટ્રાફીક નથી મળતો તો કેટલાક પ્રવાસીઓની અવરજવર વિના ભૂતિયા સમાન લાગે છે. સરકારે બહુ મોટા ઉપાડે નવા એરપોર્ટ બાંઘ્યા છે પરંતુ દરેકને ટ્રાફીક મળશે એવું નથી હોતું. ઉત્તર પ્રદેશના ખુશીનગર અને મહારાષ્ટ્રના સિંઘુ દુર્ગ ખાતેના એરપોર્ટ આજકાલ ઉજ્જડ બની ગયા છે.

આ એરપોર્ટ પર મોટાભાગે ખાલીખટ જોવા મળે છે કેમકે પ્રવાસીઓના અભાવે ત્યાં કોઇ ફ્લાઇટ સ્ટેન્ડ નથી આપતી. કેન્દ્ર શાસિત વિસ્તાર પુડીચેરીમાં છેલ્લા એક વર્ષમાં સતત આઠ મહિના સુધી એક પણ ફ્લાઇટની અવર જવર નહોતી. ગત 20 ડિસેમ્બરે 78 બેઠકો વાળું એક પ્લેન ત્યાં ઉતરતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. કેમકે એરપોર્ટ પર લાંબા સમય બાદ વિમાનની ઘરઘરાટી સાંભળવા મળી હતી. આ વિમાનને વોટર કેનોનથી સેલ્યુટ અપાઇ હતી.

ઉત્તર પ્રદેશમાં 12 ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ હેઠળ ખુશીનગર એરપોર્ટનો પ્રારંભ ઓક્ટોબર 21 માં કરાયો હતો.  ખુશીનગર એરપોર્ટનો આશય ભગવાન બુદ્ધના મથકો સુધી લોકોને પહોંચાડવાને તેમજ નજીકના પૂર્વ ઉત્તરપ્રદેશ અને બિહારનો ટ્રાફિક મેળવવાના આશયથી શરૂ કરાયું હતું. પરંતુ વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે ગયા એપ્રિલથી અત્યાર સુધીમાં ત્યાં એક પણ ફ્લાઇટની અવરજવર નથી.

એરપોર્ટ ઓથોરીટીએ તાજેતરમાં બહાર પાડેલા પ્રવાસીઓના આંક અનુસાર અન્ય કેટલાક એરપોર્ટની પણ ભૂતિયા જેવીજ સ્થિતિ છે. નવા એરપોર્ટ જેવાંકે કૂર્નૂલ (આંધ્ર પ્રદેશ), પક્યોંગ (સિકિકમ), સિંઘુદુર્ગ (મહારાષ્ટ્ર) તેમજ 65 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલું મહારાષ્ટ્રનું સોલાપુર એરપોર્ટ ઉજ્જડ જોવામાં આવે છે. સરકારે દેશના મઘ્યમ વર્ગના લોકો માટે ઉડે દેશકા આમ નાગરિક (ઉડાન) સ્કીમ મુકીને  તેની ટીકીટ દર પણ પરવડે એવા રાખ્યા હોવા છતાં કેટલાક એરપોર્ટ પરનો ટ્રાફીક કેટલીક પ્રાદેશિક સ્તર પર ઉડતી એરલાઇન્સને મળતો નથી.

જ્યાં મર્યાદિત પ્રવાસીઓ હોય ત્યાંના એરપોર્ટ પર અઠવાડીયે એકાદ પ્લેન ઉતરતું હોય છે પરંતુ પ્રવાસીઓ ના હોય ત્યારે ટર્મીનલ પરથી સૂચના મેળવી લેવાય છે અને ફ્લાઇટ ડાયવર્ટ કરી દેવાય છે. એકલ દેાકલ પ્રવાસી માટે એર સર્વિસ ભાગ્યેજ ટીકીટ આપે છે.આમ છતાં વિકસિત ભારત -2027ના એજંડા અનુસાર સરકાર હાલના એરપોર્ટની સંખ્યા 157 પરથી 350 સુધી લઇ જવા માંગે છે.

ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જોરે એરપોર્ટ નથી ચાલતા તે માટે તેના હાર્દ સમાન વિમાન પ્રવાસીઓ જોઇએ. આવા ઉજ્જડ એરપોર્ટ પરના ગ્રાઉન્ડ સ્ટાફ પૈકી અડધો અડધને રવાના કરી દેવાય છે. એરપોર્ટને સ્વચ્છ રાખવામાં આવે છે પરંતુ ત્યાંના સ્ટોર્સ અને અન્ય સેવા કેન્દ્રો પણ ઠપ થઇ ગયા છે. એરપોર્ટ પર કેટલાક મફતનો પગાર ખાય છે તો અનેકે નોકરી ગુમાવી છે.


Google NewsGoogle News