અમદાવાદમાં દેશનો પ્રથમ ડી બગિંગ સાયબર ક્રાઈમ કેસ, 7 કરોડની છેતરપિંડી કરતાં 3 પકડાયા
Debugging Cybercrime Case In Ahmedabad: અમદાવાદના રિલીફ રોડ પર ક્રિકેટ સટ્ટાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડ્યા હતા. જેમાં ઝડપાયેલા ત્રણ યુવકોની પૂછપરછ દરમિયાન ઈ-કોમર્સ વેબસાઈટ પર ડી બગિંગ સોફ્ટવેરથી ચેડા કરીને ઓનલાઇન પ્રોડક્ટ મફતના ભાવે મંગાવીને બારોબાર વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાની સાઈટમાં પણ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હતી. છેલ્લાં બે વર્ષ દરમિયાન ત્રણેય યુવકો દ્વારા સાત કરોડ રૂપિયા સુધીની ઠગાઇ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ડી બગિંગથી મોંઘીદાટ ચીજોના ભાવ બદલીને છેતરપિંડી કરતાં
ક્રાઇમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર દીપક ઢોલા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે રીલીફ રોડ પર એક ઓફિસમાં ત્રણ યુવકો ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રહ્યા છે. અહીં દરોડો પાડીને પોલીસે વિજય વાઘેલા (અશ્વમેઘ ટેનામેન્ટ, બાપુનગર), નિતેશ મડતા (ગુજરાત હાઉસીંગ બોર્ડ,બાપુનગર) અને આદીલ પરમાર (રામીની ચાલી, રખિયાલ)ને ઝડપીને તપાસ કરતા તેમની પાસેથી ક્રિકેટ સટ્ટાને લગતા કેટલાંક લોગઇન આઇ ડી મળી આવ્યા હતા.
બાદમાં પોલીસે તેમની પાસેથી જપ્ત કરેલા ગેઝેટ્સની તપાસ કરતા વિગતો સામે આવી હતી કે આરોપીઓ ક્રિકેટ સટ્ટામાં ગેંમિંગ સાઇટમાં ડી બગિંગ સોફ્ટવેરની મદદથી ચેડા કરીને મોટાપ્રમાણમાં નાણાંની છેતરપિડી આચરી રહ્યા છે. આ ઉપરાંત વધારાની પૂછપરછમાં સામે આવેલી માહિતી જાણીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા.
વધુ માહિતી આપતા ડીસીપી અજીત રાજયને જણાવ્યું કે, ઝડપાયેલા આરોપીઓ ઇ-કોમર્સ, જ્વેલર્સ કે અન્ય વેબસાઇટમાં સિક્યોરિટી ટેસ્ટીંગ સોફ્વેર ડી બગિંગની મદદથી ખામી શોધતા હતા. તેમાં એન્ટર થઈને કોઇ પ્રોડક્ટના ભાવમાં ચેડા કરીને 10 હજારની પ્રોડક્ટની કિંમત એક રૂપિયો લખીને તે પ્રોડક્ટને ડમી નામે ઓર્ડર કરીને તેને સસ્તામાં ખરીદી લેતા હતા. ત્યારબાદ તે સસ્તામાં વેચાણ કરતા હતા. આ મોડ્સ ઓપરેન્ડીથી ગેમિંગ વેબસાઇટ અને કેશિનોની વેબસાઈટમાં ચેડા કરીને નાણાં પડાવતા હતા.
આ પણ વાંચો: અમદાવાદના ફાયર વિભાગને જ રેસ્ક્યુની જરૂર! ફાયર મેનની 102, ડ્રાઈવરની 58 જગ્યા ખાલી
આરોપીઓની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા
છેલ્લાં બે વર્ષમાં તેમણે સાત કરોડ રૂપિયા સુધીની છેતરપિંડી કરીને 125 જેટલા પાર્સલની મદદથી કિંમતી ચીજવસ્તુઓ મંગાવી હોવાનું પણ ખુલ્યું છે. આ ઉપરાંત પોલીસે પાંચની કિંમતના પાર્સલ પણ જપ્ત કર્યા હતા. ત્રણેય આરોપીઓએ અત્યાર સુધીમાં બે વેબસાઇટમાં ચેડા કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમા તે પ્રાઇઝ મોડીફિકેશન અને રિસ્પોન્સ સ્ક્રિપ્ટ ચેંજ ટેકનિકનો ઉપયોગ છેતરપિંડી માટે કરતા હતા. આ આરોપીઓની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આમ, ગુજરાતનો જ નહીં પણ સમગ્ર દેશનો પ્રથમ કોઇ આવો કેસ શોધવામાં આવ્યો હતો.
આ કેસમાં ક્યા આરોપીઓની કઇ ભૂમિકા
પોલીસે જ્યારે તમામ આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતુ કે વિજય વાઘેલાએ આઇટીમાં એમબીએ કર્યું હતું અને તે સર્ચ એન્જીન પરથી ડી બગિંગ સોફ્ટવેર મેળવીને વેબસાઇટમાં બગ હંટીંગ કરીને વેબસાઇટમાં ચેડા કરીને ઓર્ડર આપતો હતો. જ્યારે નિતેશ વેબસાઇટ પરથી મેળવેલી પ્રોડક્ટનું વેચાણ કરીને નાણાં એકઠા કરતો હતા. આ ઉપરાંત, આદીલ પરમાર ઓનલાઇન સટ્ટાની વેબસાઇટ ઉપર પ્રાંઇઝ મોડીફીકેશન કરીને જુગાર રમીને નાણાં મેળવતો હતો. આમ, ત્રણેય જણા નવી જ મોડ્સ ઓપરેન્ડીથી લાખો રૂપિયા બનાવ્યા હતા.
અઢી લાખનુ ડ્રોન બે રૂપિયામાં ખરીદીને એક લાખમાં વેચ્યું
આરોપીઓએ ઇ-કોમર્સની સાઇટ પરથી આરોપીઓ કેમેરા, મોબાઇલ ફોન અને અન્ય ઇલેકટ્ોનીક્સ સાધનો મંગાવતા હતા. જેમાં તેમણે અઢી લાખની કિંમતનું ડ્રોન વેબસાઇટમાં પ્રાઇઝ મોડીફીકેશન કરીને બે રૂપિયા કરીને તેને ખરીદીને એક લાખ રૂપિયામાં વેચ્યું હતું.
આ પણ વાંચો: ચોરી કરવા આવ્યો છે કહી 11 વર્ષનાં બાળકને વલસાડ ભાજપના નેતાએ પટ્ટાથી માર માર્યો
વેબસાઇટમાં ચેડા કરીને 20થી 25 સેકન્ડમાં જ ઓર્ડર કરવામાં આવતો હતો
આરોપીઓએ બજારમાંથી ડી બગિંગ સોફ્ટવેર મેળવ્યું હતુ અને તેનો ઉપયોગ કરીને તે ઈ-કોમર્સ વેબસાઇટમાં ચેડા કરીને પ્રોડક્ટની કિંમત બદલીને 20થી 25 સેકન્ડમાં જ ઓર્ડર કરતા હતા. જેના કારણે તેમની કડી મળવી કંપનીઓ માટે અધરી બની હતી.
જ્વેલરીની વેબસાઇટ પરથી રૂ 5 લાખના દાગીના મફતમાં મંગાવ્યા
ડી બગિંગ સોફ્ટવેરથી એક જ્વેલરી શોપની સાઇટમાં ચેડા કરીને 5 લાખ રૂપિયાની જ્વેલરીની કિંમત શૂન્ય કરીને તમામ દાગીના બારોબાર મંગાવીને વેચી દીધા હોવાની ચોંકાવનારી કબુલાત આરોપીઓએ કરી છે.