કરોડો ખર્ચવા છતાં થોડા જ વરસાદમાં ગુજરાતના 'સ્માર્ટ સિટી' ધોવાયા, વિકાસના કામો ફરી પાણીમાં
Corruption In Municipal Corporations: ચોમાસામાં થોડો વરસાદ વરસે ત્યાં રસ્તા ધોવાઈ જાય છે, ગટરો ઉભરાય છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાય છે. આ સમસ્યાને કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે. સરકાર ભલે ગમે તેટલી ડિંગો હાંકે પણ ચોમાસું આવે ત્યારે દર વર્ષે આ જ સમસ્યા યથાવત્ રહે છે.
વિકાસના કામ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો
સ્માર્ટ સિટીની યોજના ધૂળધાણી થઈ છે. અમદાવાદ શહેરના માળખાકીય વિકાસ પાછળ સરકારે 5 વર્ષમાં કુલ 82.611 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો પણ શહેરની સમસ્યામાં કોઈ ફરક પડ્યો નથી. ભ્રષ્ટાચાર થકી કાળી કમાણી કરવાની જાણે દોડ લાગી છે. ત્યારે કહેવાતા સ્માર્ટ સિટીમાં રખડતાં ઢોર, ભૂવા-ખાડાખૈયાવાળા માર્ગ, ટ્રાફિક, ઠેર ઠેર ગંદકી અને દૂષિત પાણી જેવી ઘણી સમસ્યાઓ ઠેરની ઠેર રહી છે. તેનું કારણ છે કે, મ્યુનિસિપલ કૉર્પોરેશનથી માંડીને નગરપાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચાર વકર્યો છે. આ જોતાં લાગે છે કે, વિકાસના કામો પાછળ ખર્ચાયેલાં નાણાં પાણીમાં ગયા છે.
આ પણ વાંચો: 'ગ્રોથ એન્જિન' ગણાતાં ગુજરાતમાં દર ચોથું બાળક કૂપોષિત, ત્રિપુરા-ઝારખંડ કરતાં પણ ખરાબ સ્થિતિ
ગુજરાતમાં શહેરી વિકાસના નામે રાજ્ય સરકારે 21,696 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. પરંતુ મોટાભાગના રૂપિયા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટમાં ચવાઈ જાય છે. સરકાર ભલે 'ઇઝ ઑફ લિવિંગ'ના સૂત્રો આપે પણ કડવી વાસ્તવિકતા એ છે કે, અમદાવાદ જેવા શહેરમાં આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવા કરોડોનો ઘુમાડો કરવામાં આવે છે. પરંતુ મળતિયા કોન્ટ્રાક્ટર, ભ્રષ્ટ અધિકારી અને ચૂંટાયેલાં જન પ્રતિનિધિઓની મીલીભગતને લીધે રોડ રસ્તા સહિત વિકાસના કામો હલકી ગુણવત્તાના થઈ રહ્યા છે જેના લીધે પ્રજાને ભોગવવું પડે છે. મહત્ત્વની વાત તો એ છે કે, અદાલતની ફટકાર છતાંય ભાજપના પદાધિકારી, સરકારી બાબુઓ સુધરતા નથી.
ગુજરાતમાં જાણે અંધેર વહીવટ ચાલી રહ્યો તેવું રાજ્યની જનતા અહેસાસ કરી રહી છે. જો કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાચા અર્થમાં વપરાય, ભ્રષ્ટાચાર વિના ગુણવત્તાલક્ષી કામો થાય તો પ્રજાની ફરિયાદો ઓછી થાય. પણ એવું કશું થતું નથી. પરિણામે અંધેર તંત્રમાં ચારેકોર સમસ્યા વકરી છે.
ગુજરાતમાં સ્માર્ટ સિટીની યોજના ધૂળધાણી
આજે ગુજરાતમાં સ્માર્ટ સિટીની યોજના ધૂળધાણી થઈ છે. ચોમાસાના સામાન્ય વરસાદમાં વિકાસના કામો ધોવાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સ્માર્ટ સિટીનું નામ અપાયું છે પણ રખડતાં પશુઓ, અનિયંત્રિત ટ્રાફિક, ખરાબ માર્ગ, ફૂટપાથ પરના દબાણ, ગંદકીના ઢગલાં અને દૂષિત પાણીની સમસ્યા જ જાણે શહેરની ઓળખ બની ગઈ છે. અમદાવાદ સહિત મુખ્ય શહેરો જ નહીં, 156 નગરપાલિકાઓનો વહીવટ પણ ખાડે ગયો છે. 80 ટકા પાલિકાઓની તિજોરી તળીયા ઝાટક થઈ જતાં વિકાસના કામો ખોરવાઈ ગયા છે. કર્મચારીઓને પગાર કરવાના રૂપિયા રહ્યા નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો, રાજ્યમાં કેવી છે સ્થિતિ?
ત્રણ ઇંચ વરસાદ વરસતાં શહેરની હાલત કફોડી બને છે
અમદાવાદ જ નહીં, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરની દશા બેઠી છે. ચોમાસામાં માત્ર બેથી ત્રણ ઇંચ વરસાદ વરસતાં જ શહેરની હાલત કફોડી બની જાય છે. જો 10થી 12 ઇંચ વરસાદ પડે તો કેવી હાલત થઈ શકે છે તેની કલ્પના કરવી રહી. સ્વચ્છ અર્બન મિશન હેઠળ સરકારે ખર્ચેલા કરોડો રૂપિયા જાણે વરસાદી પાણીમાં ગયા છે. હાઇકોર્ટે પણ આ મામલે સરકાર-મ્યુનિ. કૉર્પોરેશની આકરી ઝાટકણી કાઢી છે પણ જાણે બઘું વ્યર્થ છે. નવાઈની વાત તો એ છે કે, લાખો-કરોડોના ખર્ચે નિર્માણ પામેલાં પુલોમાં વરસાદી પાણીથી ગાબડાં પડવા મંડ્યા છે. કોઈ ચોક્કસ પૉલિસી નથી પરિણામે કોન્ટ્રાક્ટર-ભ્રષ્ટ અધિકારીઓની બલ્લે બલ્લે થઈ છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગે કોઈ જ નક્કર આયોજન કર્યું નથી, પરિણામે સ્માર્ટ સિટી નામ પડતાં જ લોકો મજાક ઉડાવી રહ્યા છે. ટૂંકમાં, સ્માર્ટ સિટીના નામે થતાં વિકાસના કામો હકીકતમાં ભ્રષ્ટાચાર કરવાનો માર્ગ સાબિત થયો છે.