Get The App

એક અઠવાડિયામાં અમદાવાદમાં 7 અને ગાંધીનગરમાં 1 કોરોનાનો કેસ, તમામને હોમ આઈસોલેશનમાં રખાયા

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
એક અઠવાડિયામાં અમદાવાદમાં 7 અને ગાંધીનગરમાં 1 કોરોનાનો કેસ, તમામને હોમ આઈસોલેશનમાં રખાયા 1 - image

સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે, તેમાં JH.1ના કેસ પણ નોંધાઈ રહ્યા છે. આ વચ્ચે ગુજરાતમાં પણ અચાનક કોરોનાના કેસ વધતા લોકોમાં ચિંતા પ્રસરી છે. અમદાવાદમાં કોરોનાના 7 કેસ અને ગાંધીનગરમાં વધુ એક કોરોના કેસ નોંધાયો છે. આ તમામ કેસ છેલ્લા એક સપ્તાહમાં નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા અપાયેલી માહિતી અનુસાર, રાજ્યમાં 13 કોરોનાના પોઝિટિવ કેસ છે. જેમાં એક પણ કેસ નવા વેરિયન્ટ JH.1નો કેસ નથી.

અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાયા

અમદાવાદમાં 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 7માંથી 5 વિદેશ પ્રવાસ કરીને આવેલા દર્દીઓ છે. જેમાં 3 પુરુષો અને 4 મહિલાઓ સામેલ છે. આ તમામ દર્દીઓને હાલ હોમ આઈસોલેશનમાં રખાયા છે. દર્દીઓના સેમ્પલ JN.1 તપાસ માટે મોકલાયા છે. આ દર્દીઓ પશ્ચિમ અમદાવાદના જોધપુર, પાલટી અને ઘાટલોડિયા વિસ્તારના છે. 

ગાંધીનગરમાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ

ગાંધીનગરમાં અગાઉ 2 મહિલા કોરોના પોઝિટિવ હોવાનું નોંધાયું હતું. ત્યારબાદ વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. દક્ષિણ ભારતના પ્રવાસથી પરત આવેલ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા બાદ આ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ નોંધાયેલા બે કેસમાં બંને મહિલાઓ પણ દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને આવી હતી. આ બંને મહિલા સેક્ટર-6ની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. બંનેએ વેક્સિનના બે ડોઝ પણ લીધા હતા. 

રાજ્યમાં નવા વેરિયન્ટનો એક પણ કેસ નહીં: ઋષિકેશ પટેલ

કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં જોવા મળી રહેલા JN.1 વેરિયેન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ વેરિયન્ટના કેસોમાં તેની ઘાતકતા ઓછી જોવા મળી છે. જેથી લોકોએ ગભરાવવા નહીં, પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં 13 કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં નવા વેરિયન્ટનો એક પણ કેસ નથી. ભારતમાં કુલ 2300 જેટલા કેસ નોંધાયેલા છે. કોરોનાની અસર વાઈબ્રન્ટ ગુજરાત સમિટને નહીં થાય.

કોરોનાના નવા વેરિયન્ટને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, આ વખતે કોરોનાનો નવો વેરિયેન્ટ દુનિયાની તુલનામાં ઓછો સંક્રામક છે, તેનાથી આજ દિવસ સુધી મૃત્યુ કે ફેલાવો નથી થયો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનુ છે, ત્યારે તેમને કોરોનાનો લઇને જણાવ્યુ કે વાઇબ્રન્ટ સમિટને આ કોરોના વેરિયન્ટની કોઇ અસર થવાની નથી. ઋષિકેશ પટેલે કહ્યું કે, અત્યારે માત્ર માત્રે સાવધાની રાખવાની છે, 99 ટકા કેસ ઘરે સારવારથી જ સાજા થઈ રહ્યાં છે. વિદેશથી આવતા લોકોમાં લક્ષણ હશે તો તેમને ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવશે, સમયે સમયે જે જરૂર લાગશે તે પગલાં લેવામાં આવશે. રાજ્યમાં છેલ્લા છ મહિનામાં દર મહિને 20 જેટલા કેસ મળ્યા છે.

નવા વેરિયન્ટ JN-1ને લઈને કેન્દ્રની એડવાઇઝરી

કોરોના વાયરસનો નવો વેરિયન્ટ JN-1 મળી આવ્યા બાદ કેન્દ્ર સરકારે ચેતવણી જારી કરી છે. જેમાં જણાવાયું છે કે, આગામી સીઝન તહેવારોની હોવાથી જાહેર આરોગ્યના મોરચે પૂરતા પ્રમાણમાં પગલાં લેવા જરુરી છે અને રોગનું ઓછામાં ઓછો પ્રસરે તે પ્રકારની પરિવહન વ્યવસ્થા ગોઠવવી પણ જરુરી છે. તેની સાથે શ્વાસોચ્છવાસની પ્રક્રિયાની પણ ઉચ્ચસ્તરે જાળવી રાખવી જરુરી છે.


Google NewsGoogle News