સહકારી સંઘ-બેન્ક અને APMCની ચૂંટણીમાં 'ઈફ્કોવાળી', ભાજપની પ્રતિષ્ઠા ધૂળધાણી, મેન્ડેટના ચીંથરાં ઉડ્યાં
BJP Leader mandate : છેલ્લાં ઘણાં વખતથી સહકારી સંઘ-એપીએમસીની ચૂંટણીમાં ભાજપના નેતાઓ જ બળવાખોરની ભૂમિકા ભજવી રહ્યાં છે. સહકારી સંઘ,જીલ્લા સહકારી બેન્ક-એપીએમસીમાં હોદ્દો મેળવવા માટે ભાજપના નેતાઓ જ ભાજપનો આદેશ માનવા તૈયાર નથી. મોટાભાગની ચૂંટણીઓમાં ‘ઇફ્કોવાળી ’થઇ છે. એટલુ જ નહીં, મેન્ટેડની પરવા કર્યા વિના જ વિરોધીઓ ચૂંટણી મેદાને ઉતર્યા હતાં. આ જોતાં ભાજપના મેન્ટેડના ચીંથરાં ઉડ્યાં હોય તેવું પ્રસ્થાપિત થયુ છે.
આ સ્થિતિને પગલે સહકારી ક્ષેત્રે શિસ્તબઘ્ધ પક્ષ ભાજપની આબરુ ધોવાઇ છે. કોઇને ભાજપના મેન્ટેડની પડી નથી. પક્ષ કરતાં વ્યક્તિગત લાયકાત આધારે બળવાખોરોએ ચૂંટણી લડી દેખાડી છે જે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.
એક સમયે કમલમના આદેશને પથ્થરની લકીર ગણવામાં આવતો હતો પણ હવે એવુ રહ્યું નથી. સહકારી ક્ષેત્રમાં વિવિધ સંસ્થાઓમાં ચિટકી રહેવાં ભાજપના નેતાઓ તલપાપડ બન્યાં છે. હોદ્દાની લ્હાયમાં ભાજપના નેતાઓ મેન્ટેડની ધરાર અવગણના કરી રહ્યાં છે.
ઇફ્કોથી માંડીને ખંભાત, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, રાજકોટ, વડોદરા હારીજ અને જૂનાગઢ સહિત અન્ય શહેરોમાં વિવિધ સરકારી સંસ્થા,સંઘ અને એપીએમસીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે ભાજપના જ બળવાખોરો મેદાને પડ્યાં હતાં. એટલુ જ નહીં, મેન્ટેડ ધરાવતાં ઉમેદવારોને ધોબીપછડાટ હાર થઇ હતી જ્યારે પક્ષ વિરોધીઓએ મેદાન માર્યુ હતું.
અત્યારે મેન્ડેટની અવગણનાનો ચીલો પડતાં ભાજપની પ્રદેશ નેતાગીરી ચિંતાતુર બની છે. ઇફ્કોમાં પક્ષના મેન્ટેડનો અનાદર કરનારાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયા સામે પગલાં ભરવાની ભાજપની નેતાગીરીમાં હિંમત રહી નથી. માત્ર ગણ્યાં ગાંઠ્યા નેતાઓને પક્ષમાંથી હાંકી કાંઢીને પ્રદેશ નેતાઓએ સંતોષ માનવો પડ્યો છે. પણ એક વાત નક્કી છેકે, સહકારી ક્ષેત્રે ભાજપના મેન્ટેડની ધરાર અવગણના થઇ રહી છે. જો મેન્ડેટ ન મળે તો ચૂંટણીમાં બધાય નેતાઓ ઇફ્કોવાળી કરવાના મૂડમાં છે. આ સ્થિતી ભાજપ માટે આગામી સમયમાં ભારે પડવાની છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં ‘ઇફ્કોવાળી’ થઇ
- ખેડા : ખેડા જીલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ખુદ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મેન્ડેટ વિરુઘ્ધ ઉમેદવારી નોંધાવી હતી. બળવો કરીને સોલંકી ચૂંટણી જીત્યા જ્યારે સત્તાવાર ઉમેદવારને ઘેર બેસવું પડ્યુ હતું.
- ઇફ્કો : ઇફ્કોની ચૂંટણીમાં ભાજપે બિપીન ગોતાને સત્તાવાર ઉમેદવાર ઘોષિત કર્યા હતાં તેમ છતાં ય પૂર્વ મંત્રી જયેશ રાદડિયા ચૂંટણી મેદાને ઉતર્યા હતાં. મહત્વની વાત એકે, રાદડિયાએ પોતાના દમ પર ચૂંટણી જીતી દેખાડી હતી.
- બનાસકાંઠા : બનાસકાંઠા જીલ્લા સહકારી બેન્કની ચૂંટણીમાં પણ પાટીલના આદેશનો ધરાર અનાદર કરાયો હતો. ત્રણ બળવાખોરો ઉમેદવારી નોંધાવી હતી. આ બધાય ચૂંટણી જીત્યા હતાં.
- ખંભાત : ખંભાત સહકારી સંઘની ચૂંટણીમાં ઉમેદવારોને મેન્ટેડ અપાયો હતો તેમ છતાં ભાજપના જ પાંચ ઉમેદવારોએ અલગ ચોકો રચ્યો હતો. મેન્ટેડની કોઇએ પરવા કરી ન હતી.
- રાજકોટ : રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપે મનસુખ સંખારવાને મેન્ટેડ આપ્યો હોવા છતા ડો.એન.ડી.શિલુએ ઉમેદવારી નોંધાવી હતી. જૂથવાદ વકરતાં સંઘની ચૂંટણીમાં ભાજપના બે ફાડચાં પડ્યા હતાં તેમ છતાં ભાજપની નેતાગીરી કશું કરી શકી નહી.
- રાજકોટ : લોધિકા સંઘની ચૂંટણીમાં પણ ખુદ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ બળવાખોરની ભૂમિકા ભજવી હતી. મામલો એટલી હદે પહોચ્યોકે, પાટીલે નોટિસ આપીને ખુલાસો માંગ્યો હતો.
- વડોદરા : વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બળવાખોર પ્રવિણ પટેલે મેદાન માર્યુ હતું જયારે સત્તાવાર ઉમેદવાર મુકેશ પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો.
- ઊંઝા : ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને દિનેશ પટેલ જૂથ સામસામે આવ્યુ હતું. પ્રદેશ નેતાઓની મથામણ છતાં મેન્ટેડને કારાણે મૂકાયો હતો. આખરે ભાજપના મેન્ટેડ ધરાવતાં ૮ ઉમેદવારો હાર્યા હતાં. ધારાસભ્યને જ મેન્ટેડ અપાયો ન હતો.
- હારીજ : હારીજ એપીએમસીની ચૂંટણીમાં પણ ભાજપના મેન્ટેડનો કચ્ચરઘાણ થયો હતો કેમકે,ે મેન્ટેડ ન અપાતાં વાઘજીભાઇ ચૈાધરીએ બળવો કરીને ઉમેદવારી કરી હતી. ભાજપના સત્તાવાર ઉમેદવાર બાબુભાઇ સવાભાઇ ચૈાધરી ચૂંટણી જીતી શક્યા ન હતાં.
- જૂનાગઢ : જૂનાગઢના ભેંસાણ માર્કેટયાર્ડની ચૂંટણીમાં પણ ભાજપના મેન્ટેડ ધરાવતાં ઉમેદવાર સામે ભાજપનું જૂથ મેદાને પડ્યુ હતું. આખરે હારના સોમનો કરવો પડ્યો હતો.