ભાજપના નેતાની બારોબાર નિમણૂકથી વિવાદ, GCCI એ જાતે જ પત્ર લખી નોંધાવ્યો વિરોધ
Gujarat University : ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં GCCI(ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી)ના નોમીની મેમ્બર તરીકે મનન દાણીની નિમણૂક કરવામાં આવી છે. જો કે બીજી બાજુ GCCI દ્વારા ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે ચેમ્બર ઑફ કોમર્સે યુનિવર્સિટીને GCCIના નોમીની તરીકે કોઈ નામ મોકલ્યું જ નથી. આમ ગુજરાત યુનિ. દ્વારા GCCIના નોમીની મેમ્બર બારોબાર એટલે કે GCCIની જાણ બહાર જ નિમાઈ ગયા હોવાની ફરિયાદ ઊભી થઈ છે.
કુલપતિએ કર્યો સત્તાનો દુરઉપયોગ
સરકારના કોમન યુનિ. ઍક્ટ અંતર્ગત 6 નવેમ્બર 2023ના રોજ ગુજરાત યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના થઈ હતી. આ કાઉન્સિલમાં 22માંથી 11 મેમ્બર જ નિમાયા હતા અને 50 ટકા જગ્યા ખાલી હતી ત્યારે તાજેતરમાં યુનિ.ના કુલપતિએ પોતાને મળેલી સત્તાની રૂએ બે મેમ્બરની નિમણૂક કરી છે. જેમાં GCCIના મેમ્બરની કેટેગરીમાં કુલપતિ દ્વારા કાઉન્સિલમાં મનન દાણીની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગરબા મુદ્દે ગેનીબેન થયા ગરમ, સંઘવીને સણસણતો જવાબ, આપણે પાકિસ્તાન જવાની જરૂર નથી
અમે કાઉન્સિલમાં નોમીની માટે નામ મોકલ્યું જ નથી: GCCI
મનન દાણી હાલ ભાજપના આઇટી સેલમાં હોદ્દાદાર છે ત્યારે બીજી બાજુ GCCIના એડિશનલ સેક્રેટરી જનરલ દ્વારા ગુજરાત યુનિ.ને પત્ર લખવામાં આવ્યો છે કે અમે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં GCCIના નોમીની તરીકે કોઈ પણ નામ મોકલ્યું નથી. જેથી યુનિ. દ્વારા GCCIને મેમ્બરનું નામ મોકલવા-નિમણૂક બાબતે લેટર મોકલવામાં આવે અને ત્યારબાદ સંદર્ભે GCCI દ્વારા કાઉન્સિલમાં મૂકવાના થતા સભ્યનું નામ યુનિ.ને મોકલવામાં આવશે.
આમ યુનિ.એ GCCIની જાણ બહાર જ બારોબાર સભ્ય નિયુક્ત કરી દીધા છે. મહત્ત્વનું છે કે આ પત્ર બાદ જ ગત સોમવારે યુનિ.માં કાઉન્સિલની મીટિંગ મળી હતી અને જેમાં પણ આ મુદ્દે ગંભીર ચર્ચા થઈ હોવાની શક્યતા છે.