સોલા ભાગવતપીઠના કથાકારના ફ્લાઇટ ટિકિટના નામે શ્રોતા સાથે છેતરપિંડી
કથાકારને અયોધ્યા જવાનું કહીને નાણાં પડાવ્યા
ઓનલાઇન નાણાં મેળવીને ઠગાઇ કરનારે કથાકાર અને શ્રોતાને ધમકી પણ આપીઃ સોલા પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદ,ગુરૂવાર
સોલા ભાગવત વિદ્યાપીઠના આચાર્ય તરીકે નોકરી કરતા અને કથાકાર તરીકે ફરજ બજાવતા રામેશ્વર દાસના નામે અયોધ્યાની એક ટિકિટ ખરીદવાનું કહીને કોઇ ગઠિયાએ એક શ્રોતા પાસેથી ઓનલાઇન રૂપિયા ૬૦ હજારની રકમ મેળવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. સોલા ભાગવત વિદ્યાપીઠની બીએડ કોલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રામેશ્વરદાસજી હરિયાણી કથાકાર તરીકે પણ કામ કરે છે.
ગત ૨૩મી આક્ટોબરના રોજ તેમને ત્યાં કથાનું સંચાલન કરતા વ્યક્તિએ કોલ કરીને કહ્યું હતું કે કોઇ અજાણી વ્યક્તિએ વડોદરામાં રહેતા એક શ્રોતાને રામેશ્વરદાસજીને અયોધ્યામાં યોજાનારી કથાની એર ટિકિટ લેવાની હોવાનું કહીને ૬૬ હજાર રૂપિયા ઓનલાઇન લઇ લીધા હતા. જેથી રામેશ્વરદાસજીએ ખોટા નામે નાણાં લેનારને કોલ કરીને નાણાં પરત માંગ્યા હતા. જો કે નાણાં લેનારે તેમને ધમકી આપીને નાણાં પરત કરવાની ના કહી હતી. આ અંગે સોલા પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.