ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, બનાસકાંઠાને 62 વર્ષ બાદ મળ્યા મહિલા સાંસદ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, બનાસકાંઠાને 62 વર્ષ બાદ મળ્યા મહિલા સાંસદ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું. જેના આજે પરિણામ જાહેર થયા છે. રાજ્યમાં ભાજપનો 23 બેઠકો પર વિજય થયો છે અને બે બેઠકો પર ભારે રસાકસી જોવા મળી હતી. ત્યારે હવે બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. આ સાથે કોંગ્રેસનું ગુજરાતમાં ખાતું ખૂલી ગયું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા છે.

ગેનીબેન ઠાકોર 20 હજાર કરતા પણ વધુ મતથી જીત્યા

બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે જબરદસ્ત રસાકસી જોવા મળ્યો છે. બંને ઉમેદવારો વચ્ચે જાણે કોઈ ક્રિકેટ મેચ ચાલી રહી હોય તેમ અંતિમ ઓવર સુધી મતગણતરીમાં રસાકસી જોવા મળી. જો કે, ગેનીબેન ઠાકોરને 6,11,116 મત મળ્યા છે જ્યારે ડૉ. રેખાબેન ચૌધરીને 5,90,785 વોટ મળ્યા છે. આમ ગેનીબેન ઠાકોરે 20 હજાર કરતા પણ વધુ મતોથી જીત હાંસલ કરી છે.

• ગુજરાત લોકસભાની 26 બેઠકોના પરિણામ

બનાસકાંઠાને 62 વર્ષે મહિલા સાંસદ મળ્યા 

પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિમી દૂર આવેલા આ લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો. ગુજરાતની આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.

ગેનીબેન ઠાકોરની બે વાર વિધાનસભા ચૂંટણી જીતી હતી

ગેનીબેન ઠાકોરનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ કોંગ્રેસમાં સક્રિય મહિલા રાજકારણી છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. આ પછી ફરી 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.

ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, બનાસકાંઠાને 62 વર્ષ બાદ મળ્યા મહિલા સાંસદ 2 - image


Google NewsGoogle News