NEET પેપર લીકનો રેલો અમદાવાદ-વડોદરા સુધી પહોંચ્યો, પોલીસે NSUIના કાર્યકર્તાઓની કરી અટકાયત
Congress Protest For NEET Exam: NEET પેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધના પગલે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. આ ઉપરાંત વડોદરામાં NEETની પરીક્ષામાં થયેલા છબરડાને લઇ NSUI દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં NSUI દ્વારા વિરોધ કરવા માટે બેનર-પોસ્ટર સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો વિરોધ
NEET પરીક્ષામાં ગેરરીતિને લઈને દિલ્હી યુનિવર્સિટીમાં પણ વિરોધ પ્રદર્શનો થયા હતા. શુક્રવારે અહીં વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ હાથમાં કાળા ઝંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દિલ્હી યુનિવર્સિટી પહોંચવાના હતા. દિલ્હી યુનિવર્સિટીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને પોતાનો કાર્યક્રમ રદ કરી દીધો હતો.
ઉત્તર પ્રદેશમાં NEET મુદ્દે કોંગ્રેસે કર્યો સજ્જડ દેખાવ
NEET પેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસે દેશમાં વસતીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં લખનઉ ખાતે મોટાપાયે દેખાવો કર્યા હતા. આ દેખાવોમાં પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ અજય રાય પણ જોડાયા હતા. અજય રાય એ જ વ્યક્તિ છે જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ લોકસભાની ચૂંટણી લડી હતી અને તેમને જંગી લીડ મેળવતા રોક્યા અને જીત મેળવતા હંફાવ્યા હતા. પોલીસે સજ્જડ દેખાવોનું નેતૃત્વ કરવા બદલ તેમની અટકાયત કરી હતી.
#WATCH | Uttar Pradesh Congress protests in Lucknow, over NEET issue and UGC-NET issue. pic.twitter.com/uatEGSUBzf
— ANI (@ANI) June 21, 2024
શિક્ષણમંત્રીના પૂતળાને આગચાંપી
અવારનવાર પેપર લીક થવાની ઘટનાઓ વધી રહી છે. નીટની પરીક્ષામાં ગેરરીતિ અંગે કાનપુરમાં પણ કોંગ્રેસના કાર્યકરો તથા પદાધિકારીઓ કલેક્ટરના કાર્યાલયની સામે એકઠા થયા હતા અને તેમણે દેખાવો કર્યો હતો. બીજી બાજુ જિલ્લાધિકારીના કાર્યાલયની સામે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પૂતળાને આગ ચાંપી હતી.