Get The App

કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર ખડગેનો અમદાવાદથી પ્રચાર પ્રારંભ, ગુજરાત સાથેની યાદો વાગોળી

Updated: Oct 7th, 2022


Google NewsGoogle News
કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર ખડગેનો અમદાવાદથી પ્રચાર પ્રારંભ, ગુજરાત સાથેની યાદો વાગોળી 1 - image


- ખડગેએ પોતે 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સંગઠનમાં સ્થાન આપશે, મહિલાઓ, દલિતો અને યુવાનોને પ્લેટફોર્મ આપશે તેવો વિશ્વાસ દર્શાવ્યો

અમદાવાદ, તા. 07 ઓક્ટોબર 2022, શુક્રવાર

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી હવે વધારે રસપ્રદ બની રહી છે અને પાર્ટીના સર્વોચ્ય પદના ઉમેદવારો મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર પ્રચાર માટે નીકળી પડ્યા છે. રાજ્યસભાના સાંસદ અને અધ્યક્ષ પદ માટેના મજબૂત દાવેદાર ખડગેએ ગુજરાતથી પોતાના પ્રચારનો આરંભ કર્યો છે. તેઓ ગુરૂવારે મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા અને આજે સવારે તેમણે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીના આશીર્વાદ મેળવીને અધ્યક્ષ પદ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો આરંભ કર્યો હતો. 

આ પ્રસંગે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, સાંસદ શક્તિસિંહ ગોહિલ અને અન્ય ધારાસભ્યો હાજર રહ્યા હતા. ખડગેએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પી હતી. સાથે જ મુલાકાતીઓ માટેની ડાયરીમાં પોતે 5મી વાર આવ્યા હોવાનું લખ્યું હતું. 

2 મોટા નેતાઓને વંદન કરવા ગુજરાત આવ્યા

મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતથી પોતાના પ્રચારની શરૂઆત કરવા પાછળનું કારણ આપતાં જણાવ્યું કે, અમદાવાદથી ચૂંટણી પ્રચાર ચાલું કરવા પાછળ આઝાદી અપાવનારા વ્યક્તિ મુખ્ય કારણ છે. એ મહાન વ્યક્તિને નમન કરીને પ્રચાર શરૂ કરવો હતો. તેમણે સરદાર પટેલે નાના-મોટા રાજ્યોને એક કરીને દેશને એક કર્યો માટે આ સરદાર પટેલની પણ ભૂમિ છે અને પ્રચાર પહેલા આ બંને મોટા નેતાઓને વંદન કરવા માટે ગુજરાત આવ્યા હોવાનું જણાવ્યું હતું. 

કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર ખડગેનો અમદાવાદથી પ્રચાર પ્રારંભ, ગુજરાત સાથેની યાદો વાગોળી 2 - image

ખડગેએ જણાવ્યું કે, તેઓ ડેલીગેટને, નેતાઓને, કાર્યકરોને મળ્યા અને તે સૌએ તેમને ચૂંટણી લડવા માટે મજબૂર કર્યા છે. રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી ચૂંટણી ન લડવાના હોવાથી તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેમણે પોતે કોંગ્રેસની વિચારધારાને આગળ વધારવા પોતે ચૂંટણી લડવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. 

વધુમાં ખડગેએ હંમેશા કોંગ્રેસના આશીર્વાદ પોતાના સાથે હોવાની લાગણી દર્શાવી હતી. તેમણે પોતે 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સંગઠનમાં સ્થાન આપશે, મહિલાઓ, દલિતો અને યુવાનોને પ્લેટફોર્મ આપશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. સાથે જ જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યાં નેતાઓને પોતે સૌને એકસાથે લઈને ચાલશે તેમ જણાવ્યું હતું. 

ગુજરાત સાથેની યાદો વાગોળી

ખડગેએ પોતે અગાઉ પણ ઘણી વખત ગુજરાતમાં આવી ચુક્યા હોવાનું અને પોતે અમૂલ ડેરીના સ્વર્ગસ્થ કુરિયનને પણ મળ્યા હોવાનું જણાવ્યું હતું. ખડગેએ પોતાને બાળપણથી જ વિકાસના કામો કરવા ગમતા હતા અને પોતે ગાંધી અને સરદારની વિચારધારાને ટકાવી રાખવા કામ કરશે તેમ જણાવ્યું હતું. 

આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ અકસ્માત વખતે પોતાને કોલ કરીને ટ્રેનની મદદ માગી હોવાની ઘટના યાદ કરાવી હતી અને તેઓ લોકશાહીમાં માનતા હોવાનું જણાવ્યું હતું. 



Google NewsGoogle News