કડક કાર્યવાહીના અભાવે રાજ્યમાં ભેળસેળ કરનારાઓ બેફામ, કરોડો લોકોની જિંદગી રામ ભરોસે: કોંગ્રેસ
Gujarat Food Safety: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફૂડ ઍન્ડ ડ્ર્ગ્સ વિભાગ વિવિધ જગ્યાએથી ખાદ્ય પદાર્થના નમૂના લઈને ચકાસણી કરી રહ્યા છે. જેમાં ઘણાં ભેળસેળ કરનારાઓ ઉજાગર થયા છે. રાજ્યમાંથી ઘીથી લઈને ખાદ્યતેલ સુધીના ઘણાં નમૂના નિષ્ફળ ગયા છે. જેને લઈને કોંગ્રેસ નેતા મનીષ દોશીએ આ ભેળસેળ કરનારાઓને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મનીષ દોશીએ કહ્યું કે, રાજ્યના નાગરિકોની સુરક્ષા તમારા હાથમાં છે, ત્યારે વારંવાર આવા ભેળસેળ કરનારા ક્યાંથી પેદા થઈ રહ્યા છે?
12 વર્ષમાં 1914માંથી 235 કેસનો નિકાલ
મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'ગુજરાતમાં તહેવારની સિઝન કે વગર તહેવારે રાજ્યમાં થઈ રહેલી ભેળસેળને લઈને ભાજપ રાજ્યની જનતા સાથે રમત રમી રહી છે. જે રીતે ભેળસેળના એક પછી એક મોટાપાયે સ્કેમ સામે આવી રહ્યા છે, એક બાજુ લાખો રૂપિયાનું ભેળસેળવાળું ઘી પકડાય તો બીજી બાજુ પૂર્વ નાયબ મુખ્યમંત્રી જાહેરમાં એવું કહે છે કે, 1 હજારમાંથી 600 તેલ મિલરો ભેળસેળ કરી રહ્યા છે. ત્યારે જવાબદારી કોની? ફૂડ સેફ્ટી વિભાગ અને ભાજપ સરકાર હપ્તા રાજ ચલાવે છે. અમદાવાદમાં છેલ્લાં 12 વર્ષમાં 1914માંથી 235 કેસનો નિકાલ થયો છે. 48 વોર્ડ વચ્ચે માત્ર 16 ફૂડ સેફ્ટી અધિકારી છે. એટલે એક કરોડ જનતાની જિંદગી રામ ભરોસે છોડી દેવાઈ છે.
ખોરાક આરોગી જાય પછી શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓના અહેવાલ આવેઃ મનીષ દોશી
આ સિવાય દોશીએ લેબોરેટરી વિશે વાત કરતાં કહ્યું કે, 'ખાદ્ય પદાર્થની ગુણવત્તાની ચકાસણી માટે શહેરમાં ફક્ત એક જ હરતી-ફરતી લેબોરેટરી કાર્યરત છે. લોકો ખોરાક આરોગી જાય પછી શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓના અહેવાલ આવે તેનો શું અર્થ? સરકારની ગંભીરતા તો જુઓ 2006માં કેન્દ્ર સરકારનો ફૂડ સેફ્ટી ઍક્ટ આવ્યો, પરંતુ 2023માં નરેન્દ્ર મોદી સરકારે તેના લીરેલીરાં ઉડાડી દીધાં. પહેલાં કડક કાર્યવાહી હતી તેની બદલે દંડની જોગવાઈ કરીને ભેળસેળ કરનારાઓને મોકળું મેદાન આપ્યું છે.'
નાગરિકોની જિંદગી રામ ભરોસે
અમદાવાદ જેવા શહેરમાં લાંબા સમય બાદ કૉર્પોરેશનને યાદ આવ્યું કે, ફૂડ સેફ્ટી અધિકારીની જરૂર છે. અત્યાર સુધી નાગરિકોની જિંદગી ભગવાન ભરોસે હતી. ગુજરાત સરકારના જસ્ટિસ એમ બી લો કમિશન ખુદ એવું કહે છે કે, ગુજરાતમાં મોટા પાયે ભેળસેળ થાય છે અને માનવ જિંદગી સાથે જે ચેડાં થાય છે તેને અટકાવવા કડક પગલાં છે. પરંતુ, સરકાર તો ભેળસેળિયાને છાવરી રહી છે. લાખો રૂપિયાનું તેલ-ઘી અને મસાલામાં ભેળસેળ પકડાય છે, આ સાથે સરકારે સ્વીકાર્યું કે દવામાં પણ ભેળસેળ થાય છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે આવા એકમોને ખુલ્લો દોર આપી દીધો છે. આટલા ભેળસેળના કિસ્સા સામે આવ્યા છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી.