ગુજરાતમાં કોંગ્રેસની કેમ્પેન સહિતની વિવિધ સમિતિઓની જાહેરાત, પ્રચારનું સુકાન સિદ્ધાર્થ પટેલને સોંપાયું
Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણીને લઈને પ્રચાર અને વ્યૂહરચના સહિત અનેક સમિતિની રચના કરી છે. ગુજરાત કોંગ્રેસના ઘણાં નેતાઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ તમામ સમિતિઓમાં મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને વિદ્યાર્થી પાંખ તથા સેવાદળના ચેરમેન અને વડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુમતાઝ પટેલને મોટી જવાબદારી સોંપી
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે કેમ્પેન કમિટી, સ્ટ્રેટજી કમિટી, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી, પબ્લિસિટી કમિટી, મીડિયા કો-ઓર્ડિનેશન અને કાનૂની સંકલન કમિટીની રચના કરી છે. મુકુલ વાસનિક સ્ટ્રેટેજી કમિટીના ચેયરમેન છે. કેમ્પેન કમિટીની કમાન સિદ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે. જગદીશ ઠાકોરને ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન બનાવાયા છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળતા કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ નેતૃત્વએ મુમતાઝ પટેલને પ્રચાર સમિતિમાં સામેલ કર્યા છે.
પબ્લિસિટી કમિટીના ચેરમેન તરીકે ગૌરવ પંડ્યા અને કન્વીનરની જવાબદારી નિલેશ પટેલને સોંપવામાં આવી છે. તેમાં મીડિયા કન્વીનર અને મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી, પ્રવક્તા મનહરભાઈ પટેલ અને હેમાંગ રાવલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત 50 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે ઈન્દ્ર વિજયસિંહ ગોહિલને પ્રચાર સમિતિના સંયોજક બનાવવામાં આવ્યા છે.