Get The App

ગુજરાતમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં, વિસાવદર-કડીની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં, વિસાવદર-કડીની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે 1 - image


Gujarat Congress: ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, વિસાવદર અને કડી વિધાનસભા બેઠક ખાલી પડી હોવાથી આ બન્ને બેઠક પર ગમે ત્યારે પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. એવામાં હવે આ બંને બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે જાહેરાત કરી છે કે, 'વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે. આ બંને બેઠકો પર કોંગ્રેસ તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવશે.'શક્તિસિંહે જણાવ્યું હતું કે, 'ગઠબંધનનો કેટલોક નિયમ હોય છે. કેન્દ્રમાં અમારું ગઠબંધન યથાવત્ છે, પરંતુ રાજ્ય અંગે હાઇ કમાન્ડ તરફથી સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારો ઉતારશે.'

આ પણ વાંચો: પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ જપ્ત, 14 વર્ષ જૂના કેસમાં EDની કાર્યવાહી

વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા પેટા ચૂંટણી લડશે

નોંધનીય છે કે, ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતાં વિસાવદરમાં બેઠક ખાલી પડી હતી. તેમજ કરશન સોલંકીના નિધનના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જોકે, આમ આદમી પાર્ટી તરફથી વિસાવદર બેઠક પરથી પહેલાંથી જ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા પેટા ચૂંટણી લડશે. કોંગ્રેસ પણ ખૂબ જ જલ્દી કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરશે. જોકે, અગાઉ આપ નેતા ઈસુદાન ગઢવીએ વિસાવદરમાં ઉમેદવાર ન ઊભા રાખવા કોંગ્રેસને અપીલ કરી હતી. 

ગુજરાતમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં, વિસાવદર-કડીની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે 2 - image




Tags :