ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે AAPને આપ્યો ઝટકો, કહ્યું- 'રાજ્યકક્ષાએ ગઠબંધન નહીં'
Gujarat Local Body Elections : ગુજરાતમાં 16 ફેબ્રુઆરી 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે. ગઠબંધન મુદ્દે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે.
રાજ્યકક્ષાએ ગઠબંધન નહીં કરાય: કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું છે કે, 'સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ સંપૂર્ણપણે રાજ્યકક્ષાએ કોઈ ગઠબંધન કરવાનું નથી. પણ સાથે સાથે સ્થાનિક કક્ષાએ કોઈ એવી દરખાસ્ત આવશે તો સ્થાનિક સંગઠન તેની સાથે પરામર્શ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.'
ઈશુદાન ગઢવીએ શું કહ્યું હતું?
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા ઇચ્છતી હતી. કારણ કે થોડા દિવસ અગાઉ ગઠબંધનને લઈને AAP પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, 'કોંગ્રેસને લોકસભામાં AAPએ ટેકો આપ્યો હતો. બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે. AAP ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર છે. આ મામલે સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો પણ અમે સ્વીકાર કરીશું. જો ગઠબંધન ના થાય તો AAP તમામ નગરપાલિકાઓમાં ચૂંટણીઓ લડશે.'