ગામડાઓમાં બનાવાશે બારમાસી કોન્ક્રીટ રોડ, પંચાયત હસ્તકના 787 રસ્તા માટે સરકારે આપી રૂ. 668 કરોડની મંજૂરી
Concrete Roads In Rural Areas : ચોમાસામાં નજીવા વરસાદમાં શહેરના રસ્તાઓ બિસ્માર થઈ જાય છે. તો વિચારો કે ગામડાઓના રસ્તાની હાલત શું થતી હશે. પરંતુ હવે શહેરની જેમ રાજ્યના ગામડાઓના કેટલાક રસ્તાઓ કોન્ક્રીટના બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સુવિધા પથ યોજના અંતર્ગત રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવાશે. જે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 668.30 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
ગ્રામીણ વિસ્તારોમાં કોન્ક્રીટ રોડ બનાવાશે
ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી કે ભારે વાહનોની અવરજવરના લીધે ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જાય છે. જેને લઈને વરસાદી સિઝનમાં પણ ટકી રહે તેવા બારમાસી રોડ બનાવવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારે ગામડાઓના ગામતળની લંબાઈમાં 5.50 મીટર કે જરૂરી પહોળાઈ પર કોન્ક્રીટ રોડ બનાવાશે.
જ્યાં કોન્ક્રીટ રોડ નહીં બને ત્યાં લગાવાશે પેવર બ્લોક
જ્યાં કોન્ક્રીટ રોડ બનાવવા શક્ય નહીં હોય ત્યાં પેવર બ્લોક લગાવીને પણ પાકો રોડ બનાવાશે. જેમાં ગ્રામીણ વિસ્તારોના કુલ 1020.15 કિ.મી. લંબાઈના 787 માર્ગોને સુવિધાપથ અન્વયે કોન્ક્રીટ રોડ બનાવાવનું સરકારે આયોજન કર્યું છે.