GST અધિકારીઓથી વેપારીઓ પરેશાન, બેન્ક ખાતા સીઝ કરી લેવાયાં, કોર્ટમાં જવાનું કહે તો ધમકાવે છે

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
No GST representative image
Image : IANS

Ahmedabad: ઓક્ટોબર 2023માં મોબાઈલના 140 વેપારીઓ પર પાડવામાં આવેલા દરોડામાં મોટાભાગના વેપારીઓને આજ સુધીમાં સમન્સ પાઠવવામાં આવ્યા નથી અને તેમને સામે કોઈ ડિમાન્ડ પણ કાઢવામાં આવી નથી. વાસ્તવમાં જીએસટીના કાયદા મુજબ ડિમાન્ડ ફિક્સ કર્યા વિના એકાઉન્ટ એટેચ પણ કરી શકાતા નથી. છતાંય મોટાભાગના વેપારીઓને બેન્ક એકાઉન્ટ એટેચ કરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ ઊઠી છે. 

વેપારીઓની સમસ્યાઓનો ઉકેલ આવતો જ નથી

વેપારીઓના બેન્ક એકાઉન્ટ એટેચ કરી દેવામાં આવ્યા હોવાથી તેમના આર્થિક વહેવારો અદ્ધરતાલ થઈ ગયા હોવાની વ્યાપક ફરિયાદ કરવામાં આવી રહી છે. તેમને ધંધો કરવામાં તકલીફ પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે તેમના બેન્ક એકાઉન્ટ એટેચ કરવા માટેના કારણો પણ તેમને જણાવવામાં આવ્યા નથી. એટેચમેન્ટ હટાવવા જનારા વેપારીઓનું કામ સાત દિવસમાં થઈ જવું જોઈએ. પરંતુ મહિનાઓથી તેઓ ધક્કા ખાઈ રહ્યા છે. તેમની ફાઈલ એક ટેબલેથી બીજા ટેબલ પર ફેરવવાનું ચાલુ હોવાથી વેપારીઓની સમસ્યાઓનો ઉકેલ આવતો જ નથી.

અધિકારીઓ આડકતરી રીતે વેપારીઓને ધમકાવે છે

બેન્ક એકાઉન્ટનું એટેચમેન્ટ હટાવવાની માગણી કરનારા વેપારીઓને તેમના ફ્લેટ કે બંગલા પર એટેચમેન્ટ લગાવડાવવાની શરત મૂકીને પરેશાન કરી રહ્યા છે. વેપારીઓ તેમના ખાતાનું એટેચમેન્ટ હટાવવા માટે હાઈકોર્ટમાં ધા નાખવી પડે છે. તેઓ હાઈકોર્ટ (High Court)માં જવાની વાત કરે ત્યારે અધિકારીઓ તેમને ડરાવતા અને આડકતરી રીતે ધમકાવતા કહે છે કે કોર્ટમાં જશો તો કામ બગડશે. બીજી વાતમાં પડ્યા વિના તમારુ કામ પતાવી લો.

વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા

દરોડા હેઠળ આવરી લેવામાં આવેલા 140 વેપારીઓમાંથી મોટાભાગનાઓને આજદિન સુધી કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી નથી. પરિણામે વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. એક સાથે અમદાવાદના 110 અને અન્ય વિસ્તારના 30 મળીને 140 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હોવાથી અમદાવાદ (Ahmedabad)ના વેપારીઓ પર દરોડા પાડનારા સુરત કે રાજકોટ અથવા વડોદરાના હોય તો તેમને સુરત, રાજકોટ અને વડોદરા ધક્કા ખાવા પડી રહ્યા છે. 

અધિકારીઓ લેખિત કોમ્યુનિકેશન નથી કરતાં

વડોદરા અને સુરતથી તેમને ગાંધીનગરની ઓફિસે ધકેલવામાં આવી રહ્યા છે. તેમને છાશવારે અલગ અલગ કાગળ લઈને બોલાવે છે. બોલાવ્યા પછી સરખી વાત પણ કરતાં નથી. લેખિત કોમ્યુનિકેશન સ્ટેટ જીએસટીના અધિકારીઓ કરતાં નથી. મોબાઈલની એક્સપોર્ટ કરનારા વેપારીઓને તેમની ઈનપુટ ટેક્સ ક્રેડિટ પણ આપતા નથી. કેટલાક વેપારીઓએ તો રૂપિયા 4 કરોડથી વધુ રકમના મોબાઈલ એક્સપોર્ટ કર્યા છે. તેમની ઈનપુટ ટેક્સ ક્રેડિટ લાખોમાં આંકવામાં આવે છે.

GST અધિકારીઓથી વેપારીઓ પરેશાન, બેન્ક ખાતા સીઝ કરી લેવાયાં, કોર્ટમાં જવાનું કહે તો ધમકાવે છે 2 - image


Google NewsGoogle News