ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ નેતાની નિમણૂંક અંગેની ફરિયાદ, શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો
Gujarat University: ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચોથી ઑક્ટોબર 2024માં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં GCCI(ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી)ના નોમીની મેમ્બર તરીકે મનન દાણીની નિમણૂક કરવામાં આવી હતી. હવે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ શિક્ષણ મંત્રીને મનન દાણીની નિયમ મુજબ નિમણૂક ન થઈ હોવાની ફરિયાદ કરી હતી. કોંગ્રેસ પ્રવક્તાની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે મનન દાણીની નિમણૂક અંગે વધુ ખુલાસા માંગ્યા છે.
સમગ્ર મુદ્દો શું છે?
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ શિક્ષણમંત્રીને ઑક્ટોબર 2024માં ફરિયાદ કરી હતી કે, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી 2023 મુજબ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના માટે વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે વિવિધ સભ્યોની નિયુક્તિ કરવાનું ઠરાવ છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ દ્વારા સગવડીયું અર્થઘટન કરીને ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સના પ્રતિનિધિ તરીકે ભાજપના નેતા મનન દાણીની નિમણૂક કરી છે.
આ પણ વાંચો: મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા
સરકારના કોમન યુનિવર્સિટી ઍક્ટ અંતર્ગત છઠ્ઠી નવેમ્બર 2023ના રોજ ગુજરાત યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના થઈ હતી. આ કાઉન્સિલમાં 22માંથી 11 મેમ્બર જ નિમાયા હતા અને 50 ટકા જગ્યા ખાલી હતી ત્યારે ઑક્ટોબર 2024માં યુનિવર્સિટીના કુલપતિએ પોતાને મળેલી સત્તાની રૂએ બે મેમ્બરની નિમણૂક કરી છે. જેમાં GCCIના મેમ્બરની કેટેગરીમાં કુલપતિ દ્વારા કાઉન્સિલમાં મનન દાણીની નિમણૂક કરવામાં આવી હતી.