મૃતક તાંત્રિક ભુવા નવલસિંહ ચાવડા સામે ફરિયાદ નોંધાઈ
- પાટડિયા પરિવારના ત્રણ સભ્યોની હત્યા મામલે
- 2023 માં ભુવાએ સોડીયમ નાઈટ્રેટ આપી કેનાલમાં ધક્કો મારી હત્યા કરી હતી
સુરેન્દ્રનગર : અમદાવાદ ખાતે રહેતા અને મુળ વઢવાણના તાંત્રીક ભુવા અને સીરીયલ કીલરના મૃત્યુ બાદ તેણે કરેલ હત્યાઓ અંગે અનેક નવા ખુલાસાઓ બહાર આવી રહ્યાં છે ત્યારે વઢવાણના શિયાણીપોળ વિસ્તારમાં રહેતા એક પરિવારના ત્રણ સભ્યોની પણ તંત્રીક ભુવાએ હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી હતી જે મામલે મૃતક પરિવારના પુત્રએ બી-ડિવીઝન પોલીસ મથકે મૃત્યુ પામેલ ભુવા સામે હત્યા નીપજાવ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
અમદાવાદની સરખેજ પોલીસ દ્વારા ૩ ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી. જો કે ૮મી ડિસેમબર, ૨૦૨૪ના રોજ સવારે રિમાન્ડ દરમિયાન તાંત્રિક નવલસિંહનું એકાએક ઢળી પડયાં બાદ સિવિલમાં મોત નીપજ્યું હતું. રિમાન્ડ દરમિયાન આરોપીએ અનેક ઘટસ્ફોટ કર્યા હતા. જેમાં તેણે અત્યાર સુધીમાં ૧૨ લોકોને સોડિયમ નાઇટ્રેટ પાણી અને દારૂમાં પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત કરી હતી. આ ૧૨ હત્યામાં સુરેન્દ્રનગરના વઢવાણ શહેરના શિયાણીપોળ વિસ્તારમાં રહેતા પાટડીયા (દરજી) પરિવારના માતા-પિતા અને બહેનની હત્યા, પોતાના જ પરિવારના ૦૩ સભ્યો (માતા, કાકા અને દાદી) અને અમદાવાદ, રાજકોટ, અંજાર, વાંકાનેર સહિત કુલ ૧૨ વ્યક્તિની હત્યા મામલે અલગ-અલગ પોલીસ મથકો દ્વારા ભુવાના મૃત્યુ બાદ વધુ તપાસ હાથધરી છે. ત્યારે વઢવાણ શહેરના શિયાણીપોળ વિસ્તારમાં રહેતા દરજી પરિવારના માતા-પિતા અને બહેનની હત્યાની પણ મૃતક ભુવાએ કબુલાત કરી હતી.
પાટડિયા પરિવારની હત્યા મામલે મૃતક પરિવારના પુત્ર ભાવિકભાઈ દિપેશભાઈ પાટડીયાએ બી-ડિવીઝન પોલીસ મથકે મૃતક ભુવા નવલસિંહ ચાવડા સામે હત્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક તાંત્રીક ભુવા નવલસિંહ કનુભાઈ ચાવડાએ ફરિયાદી ભાવિકભાઈના પિતા દિપેશભાઈ, માતા પ્રફુલ્લાબેન અને બહેન ઉત્સવી ત્રણેયને ગત તા.૧૦ માર્ચ ૨૦૨૩ના રોજ તાંત્રિક વીધી કરવાના બહાને મુળચંદ ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પર બોલાવ્યા હતા. વિધિના બહાને ત્રણેયને પાણીમાં સોડીયમ નાઈટ્રેટ મીક્ષ કરી બેભાન કર્યા બાદ પરિવારજનોના મોબાઈલ ફોન દાગીના લઈ ત્રણેયને બેભાન અવસ્થામાં કેનાલમાં ધક્કો મારી ફેંકી દઈ પાણીમાં ડુબાડી મોત નિપજાવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવ અંગે જે તે સમયે સ્થાનીક પોલીસ મથકે કેનાલમાં ડુબી જવાથી મોત નીપજ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ મૃતક તાંત્રીક ભુવાએ આ મામલે હત્યાની કબુલાત કર્યા બાદ મૃતક પરિવારના પુત્રએ હત્યા અંગેની ફરિયાદ નોંધાવતા તાંત્રીક ભુવા સામે વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથધરી છે.