તમે ડુપ્લીકેટ તેલ વેંચો છો..! તેમ કહીને તોડ કરવા આવેલા શખ્સો સામે ફરિયાદ,જોધપુર-સેટેલાઇટમાં બની હતી ઘટના

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
તમે ડુપ્લીકેટ તેલ વેંચો છો..! તેમ કહીને તોડ કરવા આવેલા શખ્સો સામે ફરિયાદ,જોધપુર-સેટેલાઇટમાં બની હતી ઘટના 1 - image


Ahmedabad Fraud Case : અમદાવાદ શહેરના જોધપુરમાં આવેલા આલોક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં સ્થિત ગોડાઉનમાં ચેકિંગ કરવાના બહાને ઘુસી જઇને નકલી આદીવાસી તેલનો સ્ટોક રાખો છો તેમ કહીને સેટલમેન્ટમાં ખંડણી માંગીને ધંધાને નુકશાન કરવાની ધમકી આપનાર મુખ્ય આરોપી સહિત ત્રણ લોકો સામે આનંદનગર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

આઝાદ કદમ પ્રેસનું કાર્ડ બતાવીને ઘુસી ગયેલા શખ્સ સહિત ત્રણ લોકો સામે આનંદનગર પોલીસે ગુનો નોંધ્યો : અગાઉ ગુના આચર્યાની આશંકા

અમદાવાદ શહેરના વાસણામાં આવેલા નંદધામ એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપભાઇ રાઠોડ જોધપુરમાં આવેલા આલોક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવેલી વુલ્ફ માર્કેટીંગ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. સાત દિવસ પહેલા સાંજના સમયે તેમની કંપનીના ગોડાઉનમાં ત્રણ અજાણ્યા શખ્સો આવી ગયા હતા અને તેમણે અચાનક આવીને સામાન તપાસવાનું શરૂ કર્યું હતુ. જેથી દિલીપભાઇએ તેમને રોકીને ઓળખાણ આપવાનું કહ્યું હતું. જે પૈકી એક વ્યક્તિએ કહ્યું હતું કે તમે ડુપ્લીકેટ આદીવાસી તેલ વેચો છો. તેવી અમારી પાસે બાતમી છે. જો પોલીસ આવશે તો કેસ થશે. જેથી અમારી સાથે બેઠક કરવા માટે તમારા શેઠને બોલાવી લો. જેથી દિલીપભાઇએ તાત્કાલિક તેમના શેઠ સૌમિલભાઇ ઠક્કરને ઓફિસ પર આવવા માટે કહ્યું હતું. આ સાથે પોલીસ કંટ્રોલરૂમમાં પણ ફોન કરીને જાણ કરી દીધી હતી. જેમાં એક દશરથ પરમાર નામના વ્યક્તિએ આઝાદ કદમ પ્રેસનું ઓળખપત્ર બતાવીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ આવે છે તેવી જાણ થતા ત્રણેય જતા રહ્યા હતા. આ અંગે આનંદનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News