ગુજરાતમાં સરકારી કોલેજમાં છુપી રીતે ખાનગી કોલેજના વર્ગો ચલાવવાની ફરિયાદ, પ્રિન્સિપાલ આરોપી
Mursing College Ahmedabad: અમદાવાદની બહુ જાણીતી વી.એસ. હોસ્પિટલમાં ચાલતી એએમસી મેટ નર્સિંગની સરકારી કાલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ફાલ્ગુની મોદી સરકારી કાલેજમાં ખાનગી ક્લાસ ચલાવતા હોવાની ફરિયાદ ઊઠી છે. પાંચમી સપ્ટેમ્બરે ફાલ્ગુની મોદી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હોવા છતાંય બી.એસસી. નર્સિંગ ક્લાસમાં ખાનગી કાલેજના 8 વિદ્યાર્થીઓને ભણાવતા હતા.
સરકારી કાલેજમાં ખાનગી વર્ગ ચલાવતા હોવાની ફરિયાદ
આ અંગેની માહિતી મળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બી. સી. પરમારને પાંચમી સપ્ટેમ્બરે બપોરે વોટ્સએપ પર ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ થતાં તેની જાણકારી ફાલ્ગુની મોદીને મળી ગઈ હતી. ત્યારબાદ ફાલ્ગુની મોદીએ વર્ગમાં બેઠેલાં વિદ્યાર્થીઓને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકેના કક્ષમાં પહોંચી જવા જણાવ્યું હતું. આ કક્ષમાં વિદ્યાર્થીઓને બેસાડ્યા પછી પ્રિન્સિપાલની ઓફિસને બહારથી કડી લગાવી દઈને એક કર્મચારીને નજર રાખવા ઊભા કરી દીધા હતા. તેમણે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે તેમને આપવામાં આવેલી ઓફિસમાં લેક્ચર લીધા હતા. બહારના વિદ્યાર્થીઓના ફોટા પણ મોબાઈલમાં કેપ્ચર થયેલા છે.
આ પણ વાંચો: 'ફ્લડ ટુરિઝમ' બાદ ભાજપના મંત્રીઓ ચૂંટણીમાં 'મસ્ત', ગુજરાતની પ્રજા હજુ પણ તકલીફોમાં વ્યસ્ત
આમ સરકારી નર્સિંગ કોલેજના કક્ષમાં ખાનગી કાલેજના વિદ્યાર્થીઓને ભણાવીને એક્સ્ટ્રા ઇન્કમજનરેટ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં સરકારી સસ્થામાં શિક્ષણનું કામ કરતી શિક્ષિકા કે પ્રિન્સિપાલ ખાનગી ટ્યૂશન પણ કરી શકતા નથી. અહીં તો સરકારી કાલેજના કેમ્પસમાં જ ખાનગી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે.
તપાસ વિજિલન્સને સોંપવાની માગ
પરિણામે પાંચમી સપ્ટેમ્બર અને તેની આગળના દિવસોના સીસીટીવી કેમેરાના ફૂટેજ લઈને ખરાઈ કરી લેવાની માગણી પણ ફરિયાદમાં કરવામાં આવી છે. સીસીટીવી કેમેરાનું એક્સેસ પણ ઇન્ચાર્જ પ્રિન્સિપાલના હાથમાં જ હોવાથી તેમાં છેડછાડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગેની તપાસ વિજિલન્સને સોંપવાની માગણી પણ કરવામાં આવી છે.
ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તેમની હાથ નીચેના કર્મચારીઓ સાથે મનસ્વી વર્તન કરતાં હોવાની પણ ફરિયાદ છે. આર.એમ.ઓ. સાથે પણ 12મી ઓગસ્ટે ફાલ્ગુની મોદીએ ગેરવર્તણૂક કરી હોવાની ફરિયાદ થયેલી છે. ફાલ્ગુની મોદીની હાજરીનો સમય પણ અનિયમિત છે. તેની બાયોમેટ્રિક્સની હાજરીની વિગતોની ચકાસણી કરવાની માગણી કરવામાં આવી છે. તેમને પ્રતિકૂળ હોય તેવા સ્ટાફ સામે અન્ય કર્મચારીઓના માઘ્યમથી ફરિયાદ કરાવતા હોવાનું પણ તેમની સામે કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. 13મી ઓગસ્ટે પણ ફાલ્ગુની મોદી સામે ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ થઈ હોવા છતાંય 29મી ઓગસ્ટે આર.ટી.આઈ. હેઠળ આપેલા જવાબમાં ફરિયાદ ન થઈ હોવાનો સદંતર ખોટો જવાબ આપવામાં આવ્યો છે.