ગાંધી આશ્રમ રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટના કમિટી મેમ્બર અને તેમની પત્ની પર હુમલો: 11 સામે ફરિયાદ
અમદાવાદ,તા. 28 મે 2022,શનિવાર
ગાંધી આશ્રમ રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટના કમિટી મેમ્બર અને તેમની પત્ની પર પ્રોજેકટથી અસંતુષ્ટ આશ્રમ નિવાસીઓએ હુમલો કર્યાની ઘટના બની છે. ગુરૂવારે મોડી રાત્રે બનેલી આ ઘટના અંગે રાણીપ પોલીસે ભોગ બનનાર કમિટી મેમ્બરની ફરિયાદ આધારે શુક્રવારે પરોઢે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગાંધી આશ્રમ પીટીસી હોસ્ટેલની પાછળ રહેતા અને વકીલાત કરી પરિવારનું ગુજરાન ચલાવતા શૈલેષભાઈ પ્રેમજીભાઈ રાઠોડ (ઉં,45)એ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ શૈલેષભાઇ ગાંધી આશ્રમ રીડેવલોપમેન્ટ પ્રોજેકટમાં કમિટી મેમ્બર છે.
આશ્રમ નિવાસી જીગ્નેશ બાબુભાઇ પરમારને રીડેવલોપમેન્ટ પ્રોજેકટથી અસંતોષ હોવાથી તેઓ તેમાં જોડાયા ન હતા. સરકારી અધિકારીઓથી જીગ્નેશભાઈને તકલીફ હોવાથી તેઓ ગત બુધવારે શૈલેષભાઈને મળ્યા હતા. જીગ્નેશભાઈએ ફરિયાદીને જણાવ્યું કે, તમે સરકારના માણસોને સમજાવતા કેમ નથી? મારી સાથે અન્યાય કરો છો. તેમ કહી બોલાચાલી કરી અપશબ્દો બોલી ફરિયાદીને જોઈ લેવાની ધમકી આપી હતી.
ગુરુવારે ફરિયાદી શૈલેશભાઈ કામ અર્થે ખેડા ગયા હતા. તેઓ રાત્રે 9 વાગ્યા અમદાવાદ પરત આવ્યા દરમિયાન રાત્રે 11.14 વાગ્યે શૈલેષભાઇ પર તેમની પત્ની ભારતીબહેનનો ફોન આવ્યો હતો. પત્નીએ ફોન પર જણાવ્યું કે, આપડા પાડોશી અલકેશ ઉર્ફ અંકિત જ્યેન્દ્રભાઈ ઉર્ફ બાબુભાઇ પરમાર, તેના ફોઈ શારદાબહેન મોહનભાઇ પરમાર, માસીનો દીકરો જીતેન્દ્ર ઉર્ફ જીતુ ગોવિંદભાઇ જાદવ, જીગ્નેશની પત્ની વશમિકાબહેન, દિવ્યાંગ ગોવિંદ જાદવ, અલ્કેશના કાકી ભાનુબહેન પંકજભાઈ પરમાર, તેમનો પુત્ર યગ્નેશ તેમજ બીજા ત્રણથી ચાર અજાણ્યા લોકો એકસંપ થઈ આપડા ઘરે આવ્યા છે. આ તમામ લોકો મારી સાથે ઝઘડો તકરાર કરી ક્યાં ગયો શૈલેષ આજે તો તેણે જોઈ લઈશું તેમ કહે છે. અંકિત અને તેના કાકીએ મને ગાલ પર ફેંટ મારી છે,તમે ઘરે આવો તેવી વાત કરી હતી.
બનાવને પગલે શૈલેષભાઇ તેઓના ઘરે પહોંચ્યા અને કારમાંથી ઉતરતા હતા. તે સમયે આરોપી અંકિતે તેઓને ડાબી આંખ પર ફેંટ મારી હતી. તમામ આરોપીઓ અપશબ્દો બોલી શૈલેષભાઇ સાથે તકરાર કરતા હતા. બનાવ અંગે શૈલેશભાઈ એ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. રાણીપ પોલીસે 11 આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.