અમદાવાદના 191 કોર્પોરેટરો સ્ટડી ટુરના નામે ઠંડીમાં કાશ્મીર જશે, પ્રજાના 2 કરોડનો ધુમાડો
Ahmedabad Coropration: અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં સત્તાધારી પક્ષનો વિરોધ કરનારા કોંગ્રેસ, ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમિન (AIMIM) સહિત ભાજપના 158 એમ કુલ 191 કોર્પોરેટરો કાતિલ ઠંડીમાં પણ શ્રીનગરની મોજ માણવા જશે. રુપિયા બે કરોડનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાંથી સ્ટડી ટુરના નામે કરાશે. ભાજપના ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલે રાજીનામું આપ્યા પછી આ બેઠક ખાલી પડેલી છે.જેની પેટા ચૂંટણી પણ યોજાવાની છે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના 48 વોર્ડમાંથી ચૂંટાઈને કોર્પોરેટર બનેલા તમામ 191 કોર્પોરેટરોને શ્રીનગર ખાતે સ્ટડી ટુરમાં મોકલવાનો આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને દાવો કરતા કહ્યું કે, કલમ 370ની કલમ રદ કરાયા પછી ડે-નાઈટ હોલ્ટ સાથે શહેરના કોર્પોરેટરોને શ્રીનગર ખાતે સ્ટડી ટૂરમાં મોકલવાની મંજૂરી અપાઈ છે.
અક્ષર ટ્રાવેલ્સ દ્વારા 18 ડિસેમ્બરથી મ્યુનિસિપાલિટીની બે અલગ અલગ કમિટીના સભ્યો અને સાથે એક અધિકારી એ મુજબ સ્ટડી ટુર ઉપર મોકલવામાં આવશે. આ ટુર માટે કોંગ્રેસ અને એમ.આઈ.એમ.ના કોર્પોરેટરોએ પણ તેમની સંમતિ આપી છે.