'કોલ્ડપ્લે' માટે અમદાવાદના સ્ટેડિયમમાં પ્રેક્ષકોની એન્ટ્રી શરૂ, જુઓ દેશ- વિદેશથી ઉમટેલા ચાહકોનો અંદાજ
Coldplay's Hot fever in Ahmedabad: બ્રિટિશ રોકબેન્ડ 'કોલ્ડપ્લે'એ વિશ્વભરના લોકોને ઘેલું લગાડ્યું છે. હવે અમદાવાદ પણ કોલ્ડપ્લેના રંગમાં રંગાઇ ગયું છે. 25-26 જાન્યુઆરી એમ બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેની કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. ક્રિસ માર્ટિનની ટીમ ગઈકાલે (24 જાન્યુઆરી) અમદાવાદ આવી પહોંચી છે. આ કોન્સર્ટને માણવા માટે દેશ-વિદેશના ચાહકોનું અમદાવાદમાં પહોંચી ચૂક્યા છે. બે દિવસમાં બે લાખથી વઘુ પ્રેક્ષકો કોલ્ડપ્લેમાં ઉપસ્થિત રહેશે. કોલ્ડપ્લેની એક જ કોન્સર્ટમાં 1 લાખથી વઘુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હોય તેવું સંભવતઃ પ્રથમવાર બનશે.
બપોરાના 2 વાગ્યાથી નમો સ્ટેડિયમમાં એન્ટ્રી શરૂ
આજે સાંજે 5 વાગ્યે કોલ્ડપ્લે કોન્સર્ટ શરૂ થશે. ત્યારે આ ઈવેન્ટ નિહાળવા આવતા પ્રેક્ષકોને એન્ટ્રી આપવાની શરૂઆત બપોરે 2 વાગ્યાથી થઈ ચૂકી છે. આજે અંદાજિત 1 લાખથી વધુ લોકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: Coldplay બૅન્ડના ક્રિસ માર્ટિને અમદાવાદના રસ્તાઓ પર સ્કૂટર પર મારી લટાર, જુઓ Video
● 3800થી વધુ પોલીસ કર્મી તૈનાત, NSG કમાન્ડો દ્વારા જડબેસલાક સુરક્ષા
અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટમાં લાખોની ભીડ ઉમટવાની છે, ત્યારે લોકોની સુરક્ષા અને સ્વસ્થ્યને લગતી સુવિધા ઉપલબ્ધ કરાય છે. જેમાં લોકોની સુરક્ષામાં 14 DCP, 25 ACP, 63 PI, 142 PSI, 3581 પોલીસકર્મી, 1 NSG ટીમ, 1 SDRF સહિતા સ્ટાફ તૈનાત રહેશે.
● 7 એમ્બ્યુલન્સ સહિત આરોગ્ય ટીમ તૈનાત રહેશે
બે દિવસીય કોલ્ડપ્લે કોન્સર્ટમાં સ્ટેડિયમ ખાતે આવનારા લાખોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાણીથી થઈને તમામ સુવિધા કરવામાં આવી છે. જેમાં બે ટેમ્પરરી હોસ્પિટલ, કાર્ડિયાક ફેસિલિટી સાથેની 7 એમ્બ્યુલન્સ સહિત આરોગ્ય ટીમ તૈનાત રહેશે.
● 15000થી વધુ વાહનોની પાર્કિંગ વ્યવસ્થા
કોન્સર્ટને જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પહોંચશે. ત્યારે આ લોકોના વાહનોના પાર્કિંગ માટે SHOW MY PARKING દ્વારા પાર્કિંગની નવી ટેકનોલોજી અપનાવી છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીકમાં 13 જેટલા પાર્કિંગ સ્થળો ઉપલબ્ધ કરાયા છે. જેમાં 9 સ્થળો પર 4 વ્હીલર પાર્કિંગ અને 4 સ્થળોએ બે વ્હીલર વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા છે. જોકે, પાર્કિંગ ક્ષમતાની વાત કરીએ તો 5 હજાર 4 વ્હીલર, 10 હજાર 2 વ્હીલર સહિત 15000થી વધુ વાહનોની પાર્કિંગ વ્યવસ્થા છે.
પાર્કિંગ સ્લોટ સરળતાથી બુક કરવા માટે Show My Parking એપ Android અને iOS પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાશે. એપ ડાઉનલોડ કરવા માટે onelink.to લિંક પર ક્લિક કરો. આ ઉપરાંત WhatsApp પર +91 95120 15227 નંબર પર “Hi” મોકલો અને લખી સ્ટેપ ફોલો કરી પાર્કિંગ સ્લોટ બુક કરી શકાશે.
● અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં ચાહકોને મળશે આ 5 વસ્તુઓ
કોલ્ડપ્લેમાં જઈ રહેલાં લોકોને આયોજકો દ્વારા રિસ્ટબેન્ડ, મૂનગોગલ્સ, પેડલ બાઇક, મ્યુઝિક બ્રેસલેટ, ટી-શર્ટ હૂડીઝ આપવામાં આવશે. જેનાથી તેમનો મ્યુઝિકનો અનુભવ તો ખાસ રહેશે જ પરંતુ આ કોન્સર્ટ પણ યાદગાર રહેશે. ત્યારે ચાલો જાણીએ આ તમામ વસ્તુઓની ખાસ વિશેષતા વિશે.
- LED રિસ્ટબેન્ડ: કોલ્ડપ્લેમાં હાજર દરેક પ્રેક્ષકને રેડિયો ફ્રિકવ્નસી ટેક્નોલોજીથી સજ્જ રિસ્ટબેન્ડ આપવામાં આવશે. જે મ્યુઝિક બીટ પર કામ કરશે. આ રિસ્ટબેન્ડથી આખું સ્ટેડિયમ રંગબેરંગી એલઈડી લાઇટથી ઝગમગી ઉઠશે. જોકે, આ રિસ્ટબેન્ડ પ્રેક્ષકોએ કોન્સર્ટ ખતમ થયા બાદ પરત આપવાના રહેશે.
- મૂનગોગલ્સ: આ સિવાય પ્રેક્ષકોને મૂન ગોગલ્સ પણ આપવામાં આવશે. આતશબાજી વખતે આ ચશ્મા પહેરવાથી અલગ-અલગ કલરના હાર્ટ શેપ દેખાશે. જેનાથી કોન્સર્ટમાં એક અદ્ભુત અનુભવ માણી શકાશે. પ્રેક્ષકો આ ગોગલ્સને ઘરે પણ લઈ જઈ શકશે.
- પેડલ બાઇક: કોલ્ડપ્લેમાં હાજર પ્રેક્ષકોને પેડલ બાઇક કે કાઇનેટિક ફ્લોર જોવા મળશે. શોની એનર્જી જાળવી રાખવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાઇક પર પેડલ મારવાથી શોમાં હાજર લાઇટને ઇલેક્ટ્રિસિટી મળશે અને એક અદ્ભુત અનુભવ માણી શકાશે.
- મ્યુઝિક બ્રેસલેટ: સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના ઓફિશિયલ મર્ચન્ડાઇઝ સ્ટોલ હશે. જ્યાંથી કોલ્ડપ્લેના મ્યુઝિક બ્રેસલેટ મળી શકશે. આ બ્રેસલેટ ખરીદીને તમે ઘરે લઈ જઈ શકો છો.
- કોલ્ડપ્લે હૂડી: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓફિશિયલ કોલ્ડપ્લેના મર્ચન્ડાઇઝ સ્ટોલમાંથી તમે કોલ્ડપ્લેની હૂડી પણ લઈ શકો છો. ત્યાં તમને કોલ્ડ પ્લેની ટોપી, ટી-શર્ટ, હૂડી મળી રહેશે. આ સિવાય મ્યુઝિક સીડી તેમજ અનેક યાદગાર વસ્તુઓ મળશે.
આ પણ વાંચો: EXCLUSIVE: કોલ્ડપ્લેનો ક્રેઝ, અમદાવાદના શૉની ટિકિટ ખરીદવામાં ગુજરાત કરતાં મહારાષ્ટ્ર આગળ
● કોલ્ડપ્લે કોન્સર્ટના બે દિવસ અમદાવાદમાં બે રૂટ પર રાત્રે 12:30 સુધી દોડાવાશે મેટ્રો ટ્રેન
આગામી તા. 25મી અને 26મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 'કોલ્ડપ્લે' મ્યુઝિક કોન્સર્ટના આયોજનને ધ્યાનમાં રાખીને GMRCએ અમદાવાદમાં બે દિવસ માટે મધ્યરાત્રિના 12:30 કલાક સુધી મેટ્રો ટ્રેન સેવાઓને લંબાવવાનો નિર્ણય કર્યો છે.
તા.25 અને 26મીના આ લંબાવેલ સમય દરમ્યાન, મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી જ APMC તથા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટ ઉપર ઉપલબ્ધ રહેશે.
● કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિનની સંપત્તિ રૂ. 1400 કરોડ!
કોલ્ડપ્લેના સહ સ્થાપક- લીડ સિંગર ક્રિસ માર્ટિનની સંપત્તિ રૂપિયા 1400 કરોડથી વઘુ છે. આ સિવાય અન્ય ગાયકો વિલ ચેમ્પિયન રૂપિયા 835 કરોડ, જોની બકલેન્ડ રૂપિયા 35 કરોડની સંપત્તિ ધરાવે છે.
● એક જ કોન્સર્ટમાં 2.25 લાખ પ્રેક્ષકનો વર્લ્ડ રેકોર્ડ
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં 1 લાખથી વઘુ ચાહકો ઉપસ્થિત રહેશે. જોકે, એક જ કોન્સર્ટમાં સૌથી વઘુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યાનો આ વર્લ્ડ રેકોર્ડ નહીં હોય. ઈટાલીના મોડેના ખાતે 2017માં યોજાયેલી ઈટાલિયન ગાયક વાસ્કો રોઝીની કોન્સર્ટમાં 2.25 લાખ પ્રેક્ષકો હતા.
● મુંબઇમાં કોન્સર્ટ બાદ 82 હજાર કિલો કચરો એકત્ર થયેલો
મુંબઇમાં ગયા સપ્તાહે યોજાયેલી કોલ્ડપ્લેની કોન્સર્ટ બાદ 82.15 ટનથી વઘુ કચરો એકત્ર થયો હતો. આ કચરાના નિકાલ માટે સફાઇકર્મીઓને ચાર દિવસ જેટલો સમય થયો હતો. અમદાવાદમાં બે દિવસમાં બે લાખથી વઘુ ચાહકો આવવાના હોવાથી કચરાનો આ આંક પણ ખૂબ જ વધે તેવી પૂરી સંભાવના છે.
● કોલ્ડપ્લે શું છે...
* બ્રિટિશ રોકબેન્ડ કોલ્ડપ્લે 1997માં અસ્તિત્વમાં આવેલું. અગાઉ આ બેન્ડ સ્ટારફિશ તરીકે ઓળખાતું.
* બેન્ડમાં પિયાનિસ્ટ ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જ્હોની બુકલેન્ડ, બેઝિસ્ટ ગાય બેરીમેન, ડ્રમર વિલ ચેમ્પિયનનો સમાવેશ થાય છે.
* કોલ્ડપ્લેના મેમ્બર્સ એન્સિયન્ટ વર્લ્ડ સ્ટડીઝ, એસ્ટ્રોનોમી અને મેથેમેટિક્સમાં ડિગ્રી ધરાવે છે.
* કોલ્ડપ્લેને રેકોર્ડ 30 વખત નોમિનેશન મળ્યું છે અને 9 વખત એવોર્ડ હાંસલ કર્યા છે.
* 100 મિલિયન કરતાં વઘુ આલ્બમ્સનું વેચાણ થયું છે.