Get The App

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ઠંડીમાં ઘટાડો, 10મી ડિસેમ્બરથી પડશે ઠંડી!

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ઠંડીમાં ઘટાડો, 10મી ડિસેમ્બરથી પડશે ઠંડી! 1 - image


Gujarat Weather: ડિસેમ્બર છતાં અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક સ્થાનોએ હજુ શિયાળો જામતો નથી. ગુરુવારે(પાંચમી ડિસેમ્બર) અમદાવાદમાં 19 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.8 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં સળંગ ત્રીજી રાતે 19 ડિગ્રીથી વઘુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. 

હવામાન વિભાગની આગાહી 

રાજ્યમાં અન્યત્ર નલિયામાં 11.5 ડિગ્રી, ડીસામાં 15.9 ડિગ્રી, રાજકોટમાં 16.8 ડિગ્રી, ભુજમાં 17.2 ડિગ્રી, વડોદરામાં 19.2 ડિગ્રી, ગાંધીનગરમાં 19.8 ડિગ્રી, ભાવનગરમાં 20.6 ડિગ્રી, અમરેલીમાં 20.8 ડિગ્રી અને સુરતમાં 23 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે. 

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ 

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ક્યાંક છાંટા તો ક્યાંક ઝરમરીયા સ્વરૂપે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ઠંડક સાથે શીત લહેર વ્યાપી જવા પામી હતી.

ગુરુવારે (પાંચમી ડિસેમ્બર) ડાંગ જિલ્લાના અમુક ગામડાઓમાં ક્યાંક છાંટણા તો ક્યાંક ઝરમરીયા સ્વરૂપનો વરસાદ પડતાં માર્ગો ભીના થયા હતા. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ અને સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ગુરુવારે વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા. કમોસમી વરસાદના પગલે ડાંગી ખેડૂતોનાં શાકભાજી, ધાન્ય સહિત ફળફળાદીમાં જંગી નુકસાનની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ફરી વળ્યાં છે. 

'10મી ડિસેમ્બરથી પડશે કડકડતી ઠંડી'

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ઠંડીને લઈને આગાહી કરી છે. ડિસેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી ગુજરાતમાં શીત લહેરની કોઈ જ સંભાવના નથી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની પણ આગાહી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ વરસશે. આઠમી ડિસેમ્બર સુધી ત્યાં લઘુત્તમ તાપમાન પણ નોંધાઈ શકે છે. જોકે, 10મી ડિસેમ્બરથી રાજ્યભરમાં કડકડતી ઠંડી પડશે અને મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે.

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ઠંડીમાં ઘટાડો, 10મી ડિસેમ્બરથી પડશે ઠંડી! 2 - image


Google NewsGoogle News