ગુજરાતમાં આગામી 48 કલાક બાદ ઠંડીનું જોર વધશે, ઉત્તરાયણમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી
Weather News : ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો વર્તાઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ ઠંડીને લઈને આગાહી કરી છે, ત્યારે ઉત્તરાયણ દરમિયાન પણ શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી 48 કલાક બાદ લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થતા ઠંડી ઘટી શકે છે. જ્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી લઘુતમ 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
છેલ્લા બે દિવસમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાથી ઠંડા અને સૂકા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા બે દિવસથી વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં 1 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે.
આગામી 48 કલાક બાદ ઠંડીનું જોર વધશે
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાથી ઠંડીમાં રાહત થશે. જ્યારે આ પછી ફરી લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાથી ઠંડીનું જોર દેખાશે. રાજ્યમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે ઉત્તરાયણ સુધી શુષ્ક હવામાનની સંભાવના દર્શાવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લધુતમ તાપમાન નલિયામાં 5.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 12.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11, વડોદરામાં 9.2 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.