ગુજરાતનાં રસ્તેથી કેવી રીતે હજારો કરોડનું કોકેઇન દુબઈથી દિલ્હી જતું હતું, જાણો ઈનસાઈડ સ્ટોરી
Gujarat News : ગુજરાતના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીના ગોડાઉનમાંથી 500 કિલોથી વધુ કોકેન જપ્ત કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે થોડા દિવસ પહેલા 770 કિલો કોકેન જપ્ત કર્યા બાદ ઝડપાયેલા આરોપીઓની વધુ પુછપરછ કરતા ગુજરાત કનેકશન સામે આવ્યું હતું, જેમાં આ ડ્રગ્સ અંકલેશ્વર GIDCમાં આવેલી આવકાર ડ્રગ્સ કંપનીમાં તૈયાર કરાયાની વિગતો સામે આવતા રવિવારે દિલ્હી પોલીસે ભરૂચ પોલીસની ટીમને સાથે રાખીને દરોડો પાડયો હતો. જેમાં રૂપિયા 5000 કરોડની કિંમતનું 518 કિલો કોકેન મળી આવ્યું હતું.
જો કે કંપની દ્વારા આ ડ્રગ તૈયાર કરવામાં આવતું હતું અને પછી તેને દિલ્હી તેમજ દેશના અન્ય શહેરોમાં સપ્લાય કરવામાં આવતું હતું. આ અંગે દિલ્હી પોલીસે સ્થાનિક પોલીસ સાથે મળીને તપાસ શરૂ કરી છે. આ કાંડમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે, આ કોકેન એ જ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલું છે, જેના બે મોટા કન્સાઈન્મેન્ટ બીજી ઓક્ટોબર અને 10મી ઓક્ટોબરે દરોડા દરમિયાન દિલ્હીમાંથી પકડાયા હતા. ગુજરાતમાંથી પકડાયેલું ડ્રગ્સ આ મહિનાની શરૂઆતમાં દિલ્હીમાં પકડાયેલા 700 કિલો કોકેનના કેસ સાથે સંબંધિત છે.
અત્યાર સુધીમાં 1289 કિલો કોકેન જપ્ત
આ જથ્થો જપ્ત કરીને પોલીસે કંપનીના માલિક અશ્વિન રામાણી સહિત પાંચ લોકોને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીઓ દુબઇ અને ઇગ્લેન્ડ સાથે કનેક્શન ધરાવતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પહેલી ઓક્ટોબરના રોજ દિલ્હીમાંથી 560 કિલો કોકેન અને 40 કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો હતો. ત્યારબાદ દિલ્હીના રમેશનગરમાં આવેલી એક દુકાનમાંથી 208 કિલો કોકેન જપ્ત કરાયું હતું. જે આવકાર ડ્રગ્સ કંપનીમાંથી તૈયાર કરાવીને દવાની આડમાં દિલ્હીમાં પહોંચતુ કરાયું હતું. આમ, આ કેસમાં અત્યાર સુધીમાં રૂપિયા 13 હજારની કરોડની કિંમતનું 1289 કિલો કોકેન અને 40 કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 12 લોકોની ધકપકડ કરી છે.
દેશમાં પહેલા આટલો મોટો જથ્થો ક્યારે પકડાયો નથી
સૂત્રોએ જણાવ્યું હતું કે, દેશની કોઈપણ એજન્સી દ્વારા કરાયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી છે. દુબઈથી ઓપરેટ થતી આ સિન્ડિકેટના માસ્ટર માઈન્ડની ઓળખ વીરેન્દ્ર બસોયા તરીકે થઈ છે, તે દુબઈમાં ઘણા બિઝનેસ ધરાવે છે. પોલીસે બસોયા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ સમગ્ર દેશમાં કોકેનનો ક્યારેય આટલો મોટો જથ્થો પકડાયો નથી. છેલ્લા 12 દિવસમાં આ 3 દરોડા અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે.
દુબઈથી ગુજરાત અને અહીંથી દિલ્હી કેવી રીતે પહોંચતું હતું ડ્રગ્સ
સૂત્રોના જણાવ્યા મુજબ પોતાની વેબસાઈટ પર અન્ય કેમિકલનું ઉત્પાદન કરતી હોવાનો દાવો કરતી આવકાર ડ્રગ્સ કંપનીની સ્થાપના વર્ષ 2016માં થઈ હતી. હાલ ભરૂચ પોલીસ તપાસ કરી રહી છે કે, કંપની કયા રસાયણો બનાવી રહી હતી. મીડિયા રિપોર્ટ મુજબ અધિકારીએ કહ્યું કે, દુબઈથી ડ્રગ્સ આવ્યું હતું અને દિલ્હી-એનસીઆર મોકલતા પહેલા તેનું પ્રોસેસ કરાયું હતું. સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે, ડ્રગ્સને ગુજરાતની બહાર ‘મેડિકલ કન્સાઈનમેન્ટ’ તરીકે લઈ જવાયું હતું અને પછી ‘ફાર્મા સોલ્યુશન્સ સર્વિસિસ’ના નામે ડોક્યુમેન્ટ પર કથિત નકલી ફાર્મા કંપનીને સોંપાયું હતું. આ ડ્રગ સિન્ડિકેટનું કનેક્શન દુબઈ અને બ્રિટન સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે.
નકલી કંપની, MBA ડિગ્રીવાળાઓને કામ પર રાખ્યા
નકલી કંપનીએ ફાર્મા બ્રાન્ડમાં કામ કરવા કર્મચારીઓને કામ પર રાખ્યા હતા, જેમાં ઘણા લોકો એમબીએ કરી ચુક્યા છે. આ કર્મચારીઓનો ઉપયોગ એનસીઆરમાં સ્ટોરેજ વ્યવસ્થા સંભાળવા માટે કરાયો. કંપની એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં માલસામાન સરળતાથી પહોંચાળી શકે તે માટે દિલ્હીમાં ટ્રાન્સપોર્ટરો પાસેથી વાહનો પણ ભાડે લેવાયા હતા. અધિકારીઓનું કહેવું છે કે, સ્પેશયલ સેલે પહેલી ઓક્ટોબરે દિલ્હીના મહિપાલપુરમાં એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે, કંપનીએ આ ગોડાઉન ભાડે લીધું હતું. દરોડા દરમિયાન એક ખેપ અને 562 કિલો કોકેન અને 40 કિલો હાઈડ્રોપોનિક મારિજુઆના જપ્ત કરવામાં આવ્યું હતું.
‘કોડ નેમ’ ચલાવતા હતા કારોબાર
આ ડ્રગ સિન્ડિકેટના સભ્યોને કોડ નેમ અપાયા હતા. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, સિન્ડિકેટ સાથે સંકળાયેલા મોટાભાગના સભ્યો એકબીજાને ઓળખતા પણ ન હતા અને તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એકબીજાનો સંપર્ક કરતા હતા. દરેકને કોડ નામ અપાયું હતું. પોલીસે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ દક્ષિણ અમેરિકાના દેશોમાંથી દરિયાઈ માર્ગે ગોવા લવાયું હતું, ત્યારબાદ તેને અન્ય માર્ગો દ્વારા દિલ્હી પહોંચાડાયું હતું. આ સિન્ડિકેટને શોધવા માટે પોલીસ ઘણા સમયથી કામ કરી રહી હતી.