શહીદ મહિપાલસિંહ અમર રહો, અંતિમ સફરે વીર જવાન, CM ભૂપેન્દ્ર પટેલ શ્રદ્ધાંજલિ પાઠવવા અમદાવાદ પહોંચ્યા
વીર જવાનનો પાર્થિવ દેવ હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો
શ્રીનગરમાં શહીદ મહિપાલસિંહ વાળાને અપાયું ગાર્ડ ઓફ ઓનર
શનિવારે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આંતકી વચ્ચે થયેલી અથડામણમાં સેના ત્રણ જવાનો શહીદ થયા હતા. જેમાંના એક જવાન મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા પણ હતા. છેલ્લા શ્વાસ સુધી દેશ રક્ષા અર્થે જીવ આપી દેનાર મહિપાલસિંહ વાળા ખૂબ નાની વયે શહીદ થયા.
વીર જવાનનો પાર્થિવ દેવ હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો
આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં શહીદી વહોરનાર ઈન્ડિયન આર્મીના વીર જવાન મહિપાલસિંહ વાળાનો પાર્થિવ દેવ હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. વિરાટનગર ખાતે તેમના નિવાસસ્થાનથી તેમની અંતિમયાત્રા નિકળશે. ભારતના વીર મહિપાલસિંહ આઠ વર્ષથી દેશ માટે ફરજ બજાવતા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શ્રદ્ધાંજલિ પાઠવવા અમદાવાદ પહોંચ્યા
વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા આખુ અમદાવાદ ઉમટ્યું છે. 'ભારત માતા કી જય'ના નારા સાથે માણસોના ટોળે-ટોળા રસ્તા પર આ જવાનને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં શહીદ વીર જવાનના સદાશિવ સોસાયટી વિરાટનગર રોડ, ઓઢવ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સ્વર્ગસ્થ મહિપાલ સિંહને વિરાંજલિ આપવા સાથે તેમના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી. આ અંતિમયાત્રામાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાશે.