સાત મહિના અગાઉ બંધ કરવામાં આવેલા મીઠાખળી અંડરપાસનો એકતરફનો રસ્તો દિવાળી પહેલાં ખુલ્લો કરાશે

રુપિયા ૨.૨૫ કરોડનો પ્રોજેકટ મેળવનાર કોન્ટ્રાકટર જે.એમ.કન્સ્ટ્રકશનની ધીમી કામગીરીથી લોકોની મુશ્કેલી વધી

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
સાત મહિના અગાઉ બંધ કરવામાં આવેલા મીઠાખળી અંડરપાસનો એકતરફનો રસ્તો દિવાળી પહેલાં ખુલ્લો કરાશે 1 - image


અમદાવાદ,મંગળવાર,10 ઓકટોબર,2023

૨૨ ફેબુ્આરી-૨૦૨૩થી  મીઠાખળી અંડરપાસના એક તરફના રસ્તાને નવો બનાવવાનો હોઈ બંધ કરાયો હતો.નવો રસ્તો દિવાળી પહેલાં ખુલ્લો કરવામાં આવશે.ચાર દિવસમાં રોડની કામગીરી પુરી થઈ જશે.આમ છતાં વધુ દસ દિવસ સુધી મ્યુનિ.ના ઈજનેરો દ્વારા રોડની કામગીરીનું આકલન કરાશે.રુપિયા ૨.૨૫ કરોડના મીઠાખળી અંડરપાસ ડેવલપમેન્ટ પ્રોજેકટ પૈકી રુપિયા ૮૦ લાખના ખર્ચે  ૧૦૪ મીટર લંબાઈની નવી આર.સી.સી.દિવાલ બનાવવામાં આવી છે.એક તરફનો રસ્તો નવો બન્યા બાદ મીઠાખળી ગામ તરફના રસ્તાને નવો બનાવવામાં આવશે.જાન્યુઆરી-૨૦૨૪ સુધીમાં પ્રોજેકટ પુરો કરવાનો હોવાથી પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ તરફ જતા વાહનચાલકોની મુશ્કેલી હજુ ચાર મહિના યથાવત રહેશે.કોન્ટ્રાકટર દ્વારા મંથરગતિથી થઈ રહેલી કામગીરીને લઈ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

૧૬ ડિસેમ્બર-૨૦૨૨ના રોજ મ્યુનિ.તંત્ર દ્વારા કોન્ટ્રાકટર જે.એમ.કન્સટ્રકશનને રુપિયા ૨.૨૫ કરોડના ખર્ચે મીઠાખળી અંડરપાસના નવીનીકરણ અંગે કામગીરી કરવા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.કોન્ટ્રાકટની શરત મુજબ ચોમાસાના ચાર મહિના સહિત એક વર્ષમાં તમામ કામગીરી પુરી કરવાની છે.ત્રણ વર્ષ અગાઉ રેલવે દ્વારા ગેજ પરિવર્તનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.એ સમયે રેલવે દ્વારા મીઠાખળી અંડરપાસ ખાતે રોડ સહિતની કેટલીક કામગીરી કરવામા આવી હતી.ડેપ્યુટી સીટી ઈજનેર જિજ્ઞેશ શાહના કહેવા મુજબ,મીઠાખળી અંડરપાસના નવીનીકરણ અંગે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા બાદ જી-૨૦ની બેઠકને લઈ થોડા સમય સુધી  કામગીરી શરુ કરવામાં આવી નહોતી.બાદમાં ૨૨ ફેબુ્રઆરી-૨૦૨૩થી જે.એમ.કન્સ્ટ્રકશનના માલિક આશિષ પટેલ દ્વારા હાલમાં અંડરપાસનો એકતરફનો ૭.૫ મીટર પહોળાઈનો નવો રોડ બનાવવાની કામગીરી હવે અંતિમ તબકકામાં છે.કોન્ટ્રાકટ અપાયા  બાદ ૨૨ ફેબુ્રઆરી-૨૦૨૩ના રોજ જાહેર નોટિસ આપી એકતરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.નવો રોડ બનાવવા પેવમેન્ટ કવોલીટી કોંક્રીટનો ઉપયોગ કરાયો છે.એકતરફનો નવો રોડ બનાવતા પહેલા વર્ષો જુની ચણતરની દિવાલને બદલે આર.સી.સી. દીવાલ બનાવવાની કામગીરી કરાઈ હતી.દસેક દિવસમાં એકતરફનો નવો રોડ તૈયાર થયા બાદ મીઠાખળી ગામ તરફની ૧૦૭ મીટર લંબાઈની જુની દીવાલને નવી બનાવવા તથા બીજો તરફ પેવમેન્ટ કવોલીટી કોંક્રીટનો ઉપયોગ કરી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામા આવશે.મીઠાખળી અંડરપાસને ચોમાસામાં વરસાદી પાણી ભરાવવા સહિતના અન્ય કારણોસર વખતોવખત બંધ કરવાની મ્યુનિ.તંત્રને ફરજ પડી છે.

કોન્ટ્રાકટરને શહેરના વિવિધ બ્રિજના જુના એકસપાન્શન જોઈન્ટ બદલવાનો અનુભવ

મીઠાખળી અંડરપાસના નવીનીકરણના પ્રોજેકટ અગાઉ કોન્ટ્રાકટર જે.એમ.કન્સ્ટ્રકશન દ્વારા ગાંધીબ્રિજ, સરદાર બ્રિજ, એલિસબ્રિજ ઉપરાંત ગિરધરનગર બ્રિજ,ચામુંડા બ્રિજ તથા જીવરાજ મહેતા બ્રિજના જુના એકસપાન્શન જોઈન્ટ બદલીને નવા એકસપાન્શન જોઈન્ટ નાંખવાની કામગીરી કરવામાં આવી હતી.


Google NewsGoogle News