દર્દીઓ પર થતાં ક્લિનિકલ ટ્રાયલનો ભાંડાફોડ, ફાર્મા કંપની અને ડોક્ટરોની મિલીભગત
Clinical Trial: વી.એસ. હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પર થતાં ક્લિનિકલ ટ્રાયલનો ભંડાફોડ થયો છે. અમદાવાદ જ નહીં આખાય ગુજરાતમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં કલિનિકલ ટ્રાયલ પર નજર રાખવા માટે એથિકલ કમિટીઓ જ અસ્તિત્વમાં નથી. ગરીબ દર્દીઓની સારવારના નામે ફાર્મા કંપનીઓ અને ડોક્ટરોના મેળાપિપણાંમાં ક્લિનિકલ ટ્રાયલ નામે સુવ્યવસ્થિત રીતે કૌભાંડ ચાલી રહ્યુ છે. જો આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સરકારી-મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ચાલતાં કારસ્તાનોનો પર્દાફાશ થઈ શકે છે.
દર્દીઓને દવાની આડઅસરની જાણ કરાતી નથી
વિવિધ બિમારીમાં ઉપયોગી દવા બજારમાં આવે તે પહેલાં તેનું પ્રાણી અને માનવી પર દવાનું પરિક્ષણ કરવામાં આવે છે. માનવી પર દવાનું પરિક્ષણ કરતાં પહેલાં એથિકલ કમિટીની મંજૂરી લેવી ફરજિયાત છે. આ ઉપરાંત એથિકલ કમિટી જ હોસ્પિટલોમાં દર્દીઓ પર થતાં ક્લિનિકલ ટ્રાયલ પર નજર રાખે છે. ક્લિનિકલ ટ્રાયલ વખતે દર્દીને દવાની આડઅસર ન થાય તેની ખાસ કાળજી લેવાય છે. આ ઉપરાંત દર્દીને પણ દવાની સાઈડ ઈફેક્ટ વિશે જાણ કરવી ફરજિયાત છે. પરંતુ કમનસીબે પૈસાની લાલચ આપી ગરીબ દર્દીઓ પર દવાના અખતરાં કરાય છે. સાથે સાથે દર્દીઓને આ બધીય વાતોથી અજાણ રાખવામાં આવે છે.
મફત સારવારના નામે હોસ્પિટલોમાં કલિનિક્લ ટ્રાયલના નામે ડોક્ટરો ધૂમ કમાણી કરી રહ્યાં છે. એવું જાણવા મળ્યું છે કે, સરકારી-મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં એથિકલ કમિટીના અસ્તિત્વને લઈને પણ સવાલો ઊભા થયા છે. વી.એસ. હોસ્પિટલમાં પણ એથિકલ કમિટીની રચના કરાઈ હતી કે કેમ તેનો સત્તાધીશો પાસે કોઈ જવાબ જ નથી. ક્લિનિકલ ટ્રાયલમાં નિયમોનો ધરાર ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે જેમ કે, એક વ્યક્તિ પર એક વખત દવાનુ પરિક્ષણ કરાય તો તે છ મહિના સુધી ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઈ શકે નહીં. છતાંય એક જ વ્યક્તિ પર વારંવાર ક્લિનિકલ ટ્રાયલ થયા હોવાની માહિતી બહાર આવી છે. પૈસા કમાવવાની લ્હાયમાં ડોક્ટરો પણ આડેપડ રીતે ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યાં છે.
આ ઉપરાંત ગરીબ દર્દીઓને દવાની આડઅસર થાય અથવા તો મૃત્યુ થાય તો તેને કશું જ ખબર હોતી નથી દર્દીઓને આ વાતથી માટે રાખવામાં ફાર્મા કંપનીઓને મોટું વળતર ચૂકવવું પડે નહીં. હોસ્પિટલોમાં ફાર્મા કંપનીના મેડિકલ રિપ્રેઝન્ટીવ અને વચેટિયા ખેલ પાડે છે. વોર્ડમાં ફરીને ગરીબ દર્દીઓને પૈસાની લાલચ ઉપરાંત મફત સારવારના નામે કલિનિકલ ટ્રાયલમાં સામેલ કરી લે છે. આમ, ગુજરાતમાં કિલનિકલ ટ્રાયલના નામે સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
ક્લિનિકલ ટ્રાયલ માટે દર્દીઓને 5 હજારથી માંડીને 10 હજાર ચૂકવાય છે
વિવિધ રોગ માટે ઉપયોગી દવાની અસરકારકતા માટે ક્લિનિકલ ટ્રાયલ કરાય છે. એટલુ જ નહીં, ફાર્મા કંપનીઓ રોગ આધારિત દવાના ડોઝ મુજબ દર્દીને પૈસા ચૂકવે છે. એવુ જાણવા મળ્યુ છે કે, કલિનિકલ ટ્રાયલ માટે 5 હજારથી માંડીને 10 હજાર રૂપિયા સુધી ચૂકવવામાં આવે છે. ગરીબી બેરોજગારીને કારણે દર્દીઓ પૈસાની લ્હાયમાં કલિનિક્લ ટ્રાયલના ગેરફાયદાઓને નજરઅંદાજ કરે છે જે ફાર્મા કંપનીઓ માટે લાભદાયક નિવડે છે.
ક્લિનિકલ ટ્રાયલના પૈસા ન મળ્યાંને વી.એસ. હોસ્પિટલનો ભાંડો ફૂટયો
ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લીધો પણ ફાર્મા કંપનીએ દર્દીને પૈસા ચૂકવ્યાં ન હતાં. આ કારણોસર ગરીબ દર્દીએ કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીને ફરિયાદ કરી હતી. આ મામલે મ્યુનિ. કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. કમિશનરે તપાસ કમિટી નીમવાની ખાતરી આપી હતી. તપાસના અંતે વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલનો આખોય ભંડાફોડ થયો હતો.