10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, ડિપ્રેશનની ચાલી રહી હતી સારવાર
Class 10 student suicide in Makarba : અમદાવાદના મકરબા વિસ્તારમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ 10 માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ વિદ્યાર્થીનીની ડિપ્રેશનમાં હતી, જેની સારવાર પણ ચાલી રહી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલા એએમસીના ગાર્ડની સામે ઓર્કિડ વ્હાઇટ ફીલ્ડમાં પોતાના માતા-પિતાની સાથે રહેતી 15 વર્ષની વિદ્યાર્થીનીએ બિલ્ડીંગના મંગળવારે 10 માળેથી કૂદકો લગાવીને જીવન ટૂંકાવી દીધું છે. આ વિદ્યાર્થીની 10 મા ધોરણમાં અભ્યાસ કરતી હતી, અને છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનનો શિકાર હતી. જેથી અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા એક મનોચિત્સક પાસે તેની સારવાર પણ ચાલી રહી હતી.
મકરબા પોલીસના જણાવ્યા અનુસાર કિશોરી સોસાયટીના આઇ બ્લોકમાં રહેતી હતી અને તે રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ ધાબા પર ગઇ હતી. ત્યારબાદ તેણે ત્યાંથી કૂદકો લગાવીને આત્મહત્યા કરી હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.
સોસાયટીના સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું હતું કે હું ગઇકાલે (9 જુલાઇ) એ નાઇટ ડ્યૂટી પર હતો અને જ્યારે મને ઘટના અંગે જાણ થઇ તો મેં રાત્રે 11:55 વાગે પોલીસને ફોન કરીને જાણ કરી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના અંગે તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં સોસાયટીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવશે. ફોરેન્સિક સાયન્સ લેબ (એફએસએલ) ના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.