ઓરસંગ નદીમાંથી રેતીના ખનન મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી, લૂંટ
અથડામણના પગલે પોલીસે દોડી જવું પડયું ઃ ડભોઇના કોંગ્રેસના કોર્પોરેટર અને ટ્રકના માલિકે સામસામે ફરિયાદ નોંધાવી
ડભોઇ તા.૨૩ ડભોઇ તાલુકામાંથી બાંધકામ માટે વપરાતી રેતીનો વેપલો હવે ધીરે ધીરે રણ મેદાન બની રહ્યો છે. ડભોઇ નજીક કરણેટ ગામ પાસે ઓરસંગ નદીના કિનારે નગરપાલિકાના વોટરપંપ અને ફ્રેન્ચવેલ પાસે રેતીખનન મુદ્દે ગઇકાલે બપોરે બે જૂથ વચ્ચે મારામારી અને લૂંટના પગલે પોલીસ દોડી ગઇ હતી. આ બનાવ અંગે ડભોઇના કોંગ્રેસના કોર્પોરેટર તેમજ ટ્રક ચાલકે સામસામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ડભોઇ તાલુકાના નવી માંગરોળ ગામમાં રહેતા અક્ષય હસમુખભાઈ પાટણવાડીયાએ ડભોઇના કોર્પોરેટર અજય નરસિંહ રાઠવા તેમજ ઉજમ ભાઇલાલ રાઠવા અને વિજય કનુભાઇ તડવી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું તેમજ અન્ય બે ટ્રકના ચાલકો ઓરસંગ નદીમાંથી ટ્રકોમાં રેતી ભરીને કરણેટ ગામના કાચા રસ્તેથી પસાર થતા હતા. દરમિયાન વેરાઇ માતા વસાહતમાં રહેતા અને ડભોઇ નગરના કાઉન્સિલર અજય નરસિંહ રાઠવા સહિત છ શખ્સોએ ત્રણ ટ્રકોને રોકી હતી. તેમણે ટ્રકની ચાવી કાઢી લઈ રેતી ચોરીનો આક્ષેપ મૂકીને મારી નાંખવાની ધમકી આપી અક્ષય પાટણવાડીયા પાસેથી રૃા.૧૦ હજારની લૂંટ કરી ટ્રકની આગળનો કાચ તોડી નાંખ્યો હતો તેમજ નદીની રેતીમાં દાટી દેવાની ધમકી આપી હતી.
સામા પક્ષે ડભોઇ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર અજય રાઠવાએ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ડભોઇ નગરપાલિકાના નદીના પટમાં આવેલા ફ્રેન્ચવેલ ખાતે વિઝિટમાં ગયા ત્યારે રેતી ભરેલી ટ્રકો પસાર થતા તેને રોકીને રેતી ખનનની ચોરી કેમ કરો છો તેમ પૂછતા અક્ષય પાટણવાડીયા, સંજય જગદીશ રોહિતે ટ્રક માલિકોને ફોન કરીને બોલાવ્યા હતા. તુરંત જ તેઓના સાગરીતો સંજય નગીન પાટણવાડીયા, તેમના બે પુત્રો પ્રીત, તક્ષ, અજય મોતીલાલ રોહિત( રહે.રતનપુર), જગદીશ પરાગ રોહિત ( રહે.ભીમપુરા), રિતેશ વિનુ પાટણવાડીયા, મુકેશ રમેશ પાટણવાડીયા સહિત ૯ થી ૧૦ જેટલા લોકો મારક હથિયારો સાથે આવીને હુમલો કરતાં વિજય કનુ તડવી અને ઉજમ ભઈલાલ રાઠવાને ઇજા પહોંચાડી મોબાઇલ અને રોકડની લૂંટ કરી હતી.
ઉપરોક્ત બંને ફરિયાદો નોંધી ડભોઇ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.