ફરિયાદ નિવારણ સભાના દાવા પોકળ પુરવાર, અમદાવાદમાં ૨૮ દિવસમાં ડ્રેનેજની ૨૦ હજારથી વધુ ફરિયાદ

સ્ટ્રીટ લાઈટ અંગે ૮૯૧૫ ,પાણીની ૬૦૬૪ , રોડની ૩૦૯૪ ,તમામ વિભાગની મળી કુલ ૪૪૬૩૫ ફરિયાદ મ્યુનિસિપલ વહીવટી તંત્રને લોકો તરફથી મળી

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
ફરિયાદ નિવારણ સભાના દાવા પોકળ પુરવાર, અમદાવાદમાં ૨૮ દિવસમાં ડ્રેનેજની ૨૦ હજારથી વધુ ફરિયાદ 1 - image


અમદાવાદ,શુક્રવાર,29 સપ્ટેમબર,2023

અમદાવાદ મ્યુનિ.ના સત્તાધારી પક્ષ દ્વારા એક મહિના અગાઉ ૪૮ વોર્ડમાં લોકોની ફરિયાદ નિવારણ કરવા ફરિયાદ નિવારણ વોર્ડ સભાનું આયોજન કરાયુ હતુ.અમદાવાદમાં માત્ર ૨૮ દિવસમાં ડ્રેનેજની ૨૦ હજારથી વધુ ફરિયાદ શહેરીજનો તરફથી નોંધાવાઈ છે.ઉપરાંત સ્ટ્રીટલાઈટ અંગે ૮૯૧૫,પાણીની ૬૦૬૪ તેમજ રોડની ૩૦૯૪ ફરિયાદ લોકો દ્વારા નોંધાવવામાં આવી હતી. તમામ વિભાગની કુલ ૪૪૬૩૫ ફરિયાદ ટુંકા સમયમાં નોંધાય એ બાબત સ્માર્ટસિટી વહીવટી તંત્ર તથા સત્તાધારી પક્ષ માટે શરમજનક હોવાનો આક્ષેપ મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતા દ્વારા કરવામાં આવ્યો હતો.

મેયર પ્રતિભા જૈનના અધ્યક્ષસ્થાને મળેલી મ્યુનિ.બોર્ડ બેઠકના આરંભે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને બાદમાં રાજયસભામાં પસાર કરવામાં આવેલા નારી શકિતવંદન વિધેયક-૨૦૨૩ ઉપર અભિનંદન પ્રસ્તાવ પસાર કરાવાયો હતો.ઝીરો અવર્સના આરંભે વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે  શહેરના તમામ ૪૮ વોર્ડમાં થોડા સમય અગાઉ યોજવામાં આવેલા લોક ફરિયાદ નિવારણ વોર્ડ સભાને લઈ વહીવટી તંત્ર તથા સત્તાધારી પક્ષ ઉપર પ્રહાર કરતા કહયુ,કરોડો રુપિયાના ખર્ચે ડિસિલ્ટીંગ કરાવવામા આવ્યા બાદ પણ ૧ સપ્ટેમબરથી ૨૮ સપ્ટેમબર સુધીમાં ૨૦ હજારથી વધુ ફરિયાદ મળે એ બાબત પુરવાર કરે છે કે,તંત્ર તરફથી કરાવવામા આવતી ડ્રેનેજને લગતી કામગીરી માત્ર કાગળ ઉપર કરાઈ રહી છે.વિવિધ વોર્ડ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેવા અંગે ૮૯૧૫ ફરિયાદ મળી હતી.સ્ટ્રીટ લાઈટ બંધ રહેતી હોવાથી વિવિધ વોર્ડ વિસ્તારમાં ચોરીના બનાવ વધવાની સાથે લોકોને કૂતરાં કરડવાના બનાવ પણ સતત વધી રહયા છે.આ ખુબ ગંભીર અને ચિંતાનો વિષય છે.જવાબદાર વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રકારની ફરિયાદ વધવા અંગે જવાબ માંગવો જોઈએ.

કયા વિભાગની કેટલી ફરિયાદ મ્યુનિ.તંત્રને મળી

વિભાગ         કુલ ફરિયાદ

ડ્રેનેજ           ૨૦૦૮૦

રોડ            ૩૦૯૪

પાણી           ૬૦૬૪

લાઈટ          ૮૯૧૫

કયા ઝોનમાં પ્રાથમિક સુવિધાને લઈ કેટલી ફરિયાદ

ઝોન            કુલ ફરિયાદ

મધ્ય           ૮૫૬૩

પૂર્વ            ૫૦૧૦

ઉત્તર           ૮૫૩૫

ઉ.પ.           ૩૫૦૫

દક્ષિણ          ૭૭૫૯

દ.પ.           ૨૧૦૨

પશ્ચિમ          ૯૧૬૧


Google NewsGoogle News